પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



ફરતો ફરતો જે નગરમાં નંદયંતી હતી, ત્યાં આવી પહોંચ્યો. ત્યાં આગળ નંદયતી રાજાની આજ્ઞાથી સર્વદા પુણ્યદાન કર્યા કરતી હતી. તેણે એક મોટું સદાવ્રત ખોલ્યું હતું. પોતે પણ પાસેના એક મકાનમાં રહીને ગરીબ અને દુઃખીનું દુઃખ નિવારણ કરતી હતી.

દૈવસંયોગે સમુદ્રદત્ત પણ એ નગરમાં પેઠો. તે વખતે ઘણો ભૂખ્યો તરસ્યો થયો હતો. તેણે પણ એ અન્નક્ષેત્રમાં જઈને પોતાની ક્ષુધા નિવારણ કરી. તેણે દૂરથી નંદયંતીને ઓળખી તો લીધી, પણ આટલાં બધાં વર્ષ એકલી રહેવાથી તેનામાં કાંઈ ફરક પડ્યો છે કે કેમ, તે જાણવા સારૂ તેણે તેના શિયળની પરીક્ષા લેવાનો નિશ્ચય કર્યો. તેણે ગામમાંથી એક દૂતીને નંદયંતીની પાસે એ કામ સારૂ મોકલી. તેણે નંદયંતીની પાસે જઈને કહ્યું કે, “હે સુંદરિ ! તારું જીવન આમ એળે શા સારૂ કાઢે છે ? અહીંયાં એક દેવકુમાર જેવો વણિકપુત્ર આવ્યો છે અને તે તારા ઉપર ઘણો મોહિત થઈ ગયેલ છે. તે પુષ્કળ ધનવાન છે. તારી ઈચ્છા હોય, તો હું એની સાથે તારૂં ચોકઠું બેસાડી આપું.”

દૂતીનાં આ વચન સાંભળીને નંદયંતી એ કહ્યું કે, “હે મૂર્ખ સ્ત્રી ! આજે તો તું આવું બોલી છે, પણ ફરીથી કોઈ દિવસ મારી આગળ આવાં વેણ ઉચ્ચારીશ નહિ. સતીનું તેજ કેટલું હોય છે, તેની તને હજુ ખબર નથી. તું વધારે આગ્રહ કરીશ, તો હું આત્મહત્યા કરીશ અને તેનું પાપ તારે શિર ચોંટશે.” તે દૂતીએ આવીને સમુદ્રદત્તને બધી વાત જણાવી. સમુદ્રદત્ત પત્નીનું પાતિવ્રત્ય ઈને ઘણોજ પ્રસન્ન થયો અને એ પોતાનો ખરો વેશ ધારણ કરીને નંદયંતીને જઈને મળ્યો. આ અણધાર્યા મિલનને લીધે તેમની આંખમાંથી ચોધાર આનંદાશ્રુ નીકળવા લાગ્યાં. બન્નેએ લાંબા વખત સુધી સુખદુઃખની વાતો કરીને પોતાના જીવને શાંત કર્યા. મૃગપુરના રાજાને આ શુભ સમાચાર મળ્યા, એટલે એ પણ ઘણો પ્રસન્ન થયો અને તેણે ધામધૂમ સાથે નંદયંતી અને તેના પતિને વિદાય કર્યા. સતી નંદયંતી અને સમુદ્રદતે ઘણાં વર્ષો સુધી સુખપૂર્વક ગૃહસંસાર ચલાવ્યો. જૈન શાસ્ત્રકારો કહે છે કે, પૂર્વજન્મમાં ભિક્ષા માગવા આવેલા કોઈ સાધુની ઉપેક્ષા કરવાના પાપને લીધે, સતી નંદયંતીને પતિવિયોગનું આવું દારુણ દુઃખ આટલાં વર્ષ સુધી ભોગવવું પડ્યું હતું.