પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

१६–रोहिणी

તી રોહિણીનું લગ્ન પાટલીપુત્ર નગરના એક ધનાવહ નામના શેઠની સાથે થયું હતું. એ ઘણી સદાચારી અને પતિભક્ત હતી.

તેનો ધણી એક સાહસિક વેપારી હતો. એક વખત એ વેપારઅર્થે દૂર દેશાવરમાં પ્રવાસે નીકળ્યો હતો. સતી રોહિણી પતિની ગેરહાજરીમાં રાતદિવસ તેનું ધ્યાન ધરીને, પાતિવ્રત્ય ધર્મનું પાલન કરતી હતી અને સરળતાથી પોતાનું જીવન નિર્ગમન કરતી હતી.

એક વખતે ગ્રીષ્મ ઋતુમાં સતી રોહિણી પોતાના ઘરના છજામાં બેઠી હતી, તે વખતે પાટલી પુત્ર નગરના રાજા નંદ ક્રીડાને અર્થે બગીચામાં જઈ રહ્યો હતો. રસ્તામાં તેની નજર છજામાં બેઠેલી સતી રોહિણી ઉપર પડી. રાજા નંદ બીજી રીતે ઘણો સદુગુણી હોવા છતાં, ઘણો કામાંધ હતો. રોહિણીનું અપૂર્વ સોંદર્ય જોઈને તે અત્યંત કામવિહ્‌વળ થયો અને રોહિણીની સાથે ક્રીડા કરવાને તેનું મન તલપાપડ થઈ ગયું.

આથી રાજાએ ઘેર જઈને પોતાની એક દૂતીને સતી રોહિણી પાસે મોકલી. દૂતીએ પોતાના સ્વભાવ પ્રમાણે સતી રોહિણીને ઘણા મીઠા શબ્દોમાં લલચાવી, પરંતુ તે કાંઈ ભોળવાઈ જાય એવી સ્ત્રી નહોતી. એ સમજી ગઈ કે, રાજાનું મન મારૂં શિયળ ભંગ કરવાનું છે. હમણાં હું ના કહીશ, તો એ જબરજસ્તી કરીને મારૂં હરણ કરશે, માટે કોઈ બીજી યુક્તિ શોધવી જોઈએ. વિચાર કરીને તેણે દૂતીને જણાવ્યું કે, “રાજાએ મને મળવું જ હોય, તો કોઈ ન જાણે એ રીતે રાત્રીને સમયે મારે ઘેર આવવું.” એમ કહીને સતી રોહિણીએ રાજાએ દૂતીની સાથે મોકલેલી ભેટ સ્વીકારી લીધી.