પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો


 દૂતીએ જઈને રોહિણીને સંદેશો રાજાને કહ્યો. રાજા એના ઉત્તરથી ઘણો પ્રસન્ન થઈ ગયો અને રાતને વખતે એ સુંદર વસ્ત્રાભૂષણ સજીને રોહિણીના ઘરમાં ગયો. રોહિણીએ રાજાને માનપૂર્વક બેઠક આપી. સતી રોહિણી ભોંય સામી નજર રાખીને રાજાની સામે બેઠી. પછીથી તેણે પોતાની સખીઓને સ્વાદિષ્ટ રસોઈ બનાવવા કહ્યું તથા બીજી દાસી પાસે એક કિંમતી થાળમાં ફળફળાદિ મંગાવ્યાં. રાજા એ ફળ ખાઈને ઘણો પ્રસન્ન થયો. પછી રોહિણી તેને મહેલ ઉપરની ચંદ્રશાળામાં લઈ ગઈ. ત્યાં આગળ ચંદ્રની શીતળ જ્યોત્સ્નામાં રાજાની આંખ મળી ગઈ. થોડી વાર પછી તેની ઊંઘ ઊડી અને તેણે પીવાનું પાણી માંગ્યું. રોહિણીએ પાણી લાવી આપ્યું અને જાતજાતની વાનીઓનું ભોજન કરાવ્યું.

ભોજન કરી રહ્યા પછી રાજાએ પૂછ્યું: “રોહિણિ ! આ રસોઈમાં કેટલીક વાનીઓ સ્વાદિષ્ટ છે અને કેટલીક ફિક્કી છે, તેનું શું કારણ ?”

રોહિણીએ જવાબ આપ્યો કે, “મહારાજ એનો વિવેક તમારે સમજવા જેવો છે.જેમ આ વસ્તુઓને વિષે સ્વાદિષ્ટપણું અને બેસ્વાદપણું છે, તેમ સ્ત્રીઓને વિષે પણ સરસપણું અને વિરસપણું છે. સુંદર સ્ત્રીને જોઈને પુરુષ ભ્રમમાં પડી જાય છે, પણ અંતે એ પણ નીરસ છે. કામાતુર પુરુષો મૂર્ખતાને લીધે સુંદર સ્ત્રીઓને જોઈને વિકારી થાય છે. હે મહારાજ ! આપ તો સર્વ પ્રજાના પિતા છો અને અનીતિને માર્ગે પ્રવર્તવું એ રાજાને માટે મોટું કલંક છે. તેથી આપે એ માર્ગનું ઉલ્લંઘન કરવું ન જોઈએ.”

સતી રોહિણીનાં વચનો સાંભળીને રાજાનું હૃદય પીગળી ગયું. પોતાની ખરાબ દાનત માટે તેના હૃદયમાં ઘણો પશ્ચાત્તાપ થવા લાગ્યો. તેણે ઊભા થઈને ઘણાજ વિનયપૂર્વક રોહિણીની ક્ષમા માગી અને તેની પ્રશંસા કરતો કરતો પોતાને મહેલે ગયો.

થોડા દિવસ પછી રોહિણીનો પતિ ધનાવહ શેઠ દેશાવરમાંથી ઘણું ધન કમાઈને દેશમાં પાછો આવ્યો, ત્યારે રોહિણીએ તેને આ સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. એથી ધનાવહ શેઠના મનમાં રોહિણીને માટે શંકા ઉપજી. તેણે આ વૃત્તાંત ઉપરથી ધારી લીધું કે, પોતાની ગેરહાજરીમાં એણે જરૂર રાજા સાથે વિષયભોગ