પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭
રોહિણી



કર્યો હશે. આવી ખોટી શંકા આણીને તે પત્નીનો ત્યાગ કરવાનો મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યો.

એટલામાં જ આકાશમાં વાદળાં ચઢી આવ્યાં અને તોફાન સાથે મુશળધાર વરસાદ પડ્યો. એ વરસાદથી નદીનાળાં ઊભરાઈ આવ્યાં. તે વખતે પાટલીપુત્ર નગરની પાસેની નદીમાં પણ જોસભેર પૂર આવ્યું અને પાણી શહેર તરફ આવવા માંડ્યું. આખું શહેર જળમાં ડૂબી જવાનો સમય આવી પહોંચ્યો. આવે વખતે રાજાને સતી રોહિણીનું સ્મરણ થઈ આવ્યું. આથી તેણે તેને બોલાવીને કહ્યું કે, “બહેન ! આ પૂરને પાછું વાળ.”

રાજાની આજ્ઞા મળતાવાર રોહિણીએ હાથમાં જળ લઈને કહ્યું: “જો મેં આ જન્મમાં સાચુ પાતિવ્રત્ય પાળ્યું હોય તો જળનો વેગ શમી જજો.” સતીના શબ્દો નીકળતાં વાર નદીનું પાણી આગળ વધતું બંધ થયું. આથી આખા નગરના લોકો તેના સતીત્વનાં વખાણ કરવા લાગ્યા અને ધનાવહ શેઠના મનમાં પણ પત્નીના શિયળ માટેની શંકા દૂર થઈ ગઈ.

ત્યારપછી સતી રોહિણીએ પતિસેવા, વ્રત, ઉપવાસ, ધર્માનુષ્ઠાન, સત્સંગ અને પરોપકારમાં બાકીનું જીવન ગાળ્યુ. ધન્ય છે એવી સતીને ![૧]


  1. ❋ આ ચરિત્ર “જૈન સતીમંડળ” નામના ઉત્તમ પુસ્તક ઉપરથી લેવામાં આવ્યું છે. – પ્રયોજક