પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



તે બીજા અંગને લેપ કરવાની તૈયારીમાં હતો, એટલામાંજ તેના મોટાભાઈ મુનિ ભવદત્તના આગમનના સમાચાર તેની પાસે પહોંચ્યા. ભાઈને મળવાના હર્ષમાં એ અલંકૃત નવોઢા પત્નીને છોડી દઈને એકદમ ઊભો થયો. નાગિલાની સખીઓએ આ કુળાચારને અધૂરો મૂકીને અધવચમાં જતા રહેવાનો ઘણોએ નિષેધ કર્યો, પણ ભવદેવે તેમની વાત ઉપર જરા પણ ધ્યાન આપ્યું નહિ. તેણે કહ્યું: “મોટા ભાઈનાં દર્શન કરીને હું હમણાં પાછો આવીશ.”

ભવદેવ ભવદત્તની પાસે ગયો અને તેને દંડવત્ત પ્રણામ કરીને તેની સન્મુખ ઊભો રહ્યો. ભવદત્ત તેના હાથમાં ઘીનું પાત્ર આપીને ઘરમાંથી બહાર ચાલ્યો ગયો. ભવદેવ પણ એ પાત્રનો સ્વીકાર કરીને મોટાભાઈની પાછળ જવા તૈયાર થયો. બીજા પણ અનેક સ્ત્રીપુરુષો ભવદત્તની સાથે ચાલ્યાં. ભવદત્તે કોઈને પણ એમ કરવાને નિષેધ કર્યો નહિ; કારણકે એમ કરવું એ તેના કર્તવ્યથી વિરુદ્ધ હતું. ઘણે દૂર ગયા પછી બીજા બધા તો ભવદત્ત મુનિને વળાવીને પાછા ફર્યા, પણ તેના નાના ભાઈ ભવદેવે તેવું કર્યું નહિ. તેણે મનમાં વિચાર કર્યો: “આ લોકો તો પાછા જઈ શકે. એ લોકો કાંઇ એના સહોદર થોડાંજ છે ? હું મુનિ ભવદત્તનો સહોદર થઈને પાછો કેવી રીતે જઈ શકું ? વળી એમની સાથે રસ્તાના ભાથાનો બોજ ઘણો હોવાથી એ થાકી ગયા છે, એટલા માટેજ આ ઘીનું વાસણ મારા હાથમાં પકડાવ્યું છે, એટલે એમને ઠેઠ સુધી વળાવી આવ્યા વગર મારે પાછા જવું ન જોઈએ.” આ પ્રમાણે વિચાર કરીને નાના ભાઈએ મોટા ભાઈનું અનુગમન કર્યું.

રખે ભવદેવ તેની સાથે આવવાની ઈચ્છા ન કરે એમ ધારીને ભવદત્તે તેના સાથે ગૃહસ્થાશ્રમની વાત આરંભી. પહેલાં બચપણની બધી વાત સંભારીને બન્ને ભાઈઓએ ઘણો આનંદ મેળવ્યો. આ પ્રમાણે વાર્તાલાપ કરતાં કરતાં તેઓ એક ગામ આગળ આવી પહોંચ્યા. આચાર્ય સુસ્થિતનો મુકામ એ વખતે પોતાના શિષ્યો સાથે એજ ગામમાં હતો.

શુદ્ર વિચારના શિષ્યો વરરાજાના વેશમાં ભવદેવને તેના ભાઇની સાથે આવતો જોઈને પરસ્પર હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, “પોતાનું વચન પાળવા ખાતર ભવદત્ત પોતાના ભાઈને સંન્યસ્ત ધર્મમાં દીક્ષિત કરવા તેડી લાવ્યો છે.” સુસ્થિતસૂરિ