પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧
નાગિલા



બોલી ઊઠ્યા: “ભવદત્ત ! આ યુવક કોણ છે ?” તેણે કહ્યું: “મહારાજ ! એ મારો નાનોભાઈ ભવદેવ છે, તે દીક્ષા લેવા આવ્યો છે.”

આચાર્યે ભવદેવને પૂછ્યું: “કેમ ભવદેવ ! તું સંન્યસ્તવ્રત ગ્રહણ કરવાની ઈચ્છા રાખે છે ?”

ભવદેવે ઉત્તર આપ્યો: “મારા ભાઈ મિથ્યાવાદી નથી.”

ત્યાર પછી જૈન આચાર્ય સુસ્થિતસૂરિએ તે જ દિવસે ભવદેવને સંન્યસ્તવ્રતની દીક્ષા આપી અને ભવદેવને એ દિવસે બે સાધુઓની સાથે ભિક્ષા માગવા જવાની આજ્ઞા થઈ.

એટલામાં ભવદેવનાં સગાંવહાલાંઓ ત્યાં આવીને ભવદત્તને પૂછવા લાગ્યાં કે, “નવી પરણેલી સ્ત્રીને અર્ધઅલંકૃત દશામાં મૂકી ચાલ્યો આવેલ ભવદેવ ક્યાં ગયો ? તેના ઓચિંતા ચાલ્યા આવ્યાથી ઘેર તો મોટી ગડબડ મચી રહી છે. એ કોઈને પણ પૂછ્યા વગર આમ ઓચિંતો ચાલ્યો આવશે એવી તો અમને સ્વપ્ને પણ આશા નહોતી. બોલો, એ ક્યાં ગયો છે ?”

ભવદત્તે નાના ભાઈના ભાવિ કલ્યાણને લક્ષમાં રાખીને જૂઠું કહ્યું કે, “એ અહીંયાં આવ્યો હતો ખરો, પણ પછી ક્યાં ચાલ્યા ગયો તે મને ખબર નથી.” તેમણે તેની ચારે તરફ શેાધ કરી, પણ પત્તો નહિ લાગવાથી તેઓ નિરાશવદને પાછા ફર્યા.

હવે ભવદેવની સ્થિતિ શી થઈ હશે તેનો વાચક વિચાર કરો. નવોઢા પ્રિય પત્ની નાગિલાનો વિચાર તેના હૃદયમાં આવ્યા કરતો હતો. કેવળ પ્રબળ ભ્રાતૃભક્તિને લીધે એણે સંન્યસ્તવ્રત લીધું હતું. એ વ્રત એને ઘણુંએ સાલતું હતું, પણ હવે તો એને કોઈ પણ પ્રકારે નિભાવ્યા વગર છૂટકોજ નહોતો.

કાળક્રમે તેનો મોટો ભાઈ ભવદત્ત અનશનવ્રત ગ્રહણ કરીને દેહત્યાગપૂર્વક સદ્‌ગતિને પામ્યો, એટલે ભવદેવ વિચારવા લાગ્યો: “મેં તો મોટા ભાઈના આગ્રહથી આ સંન્યસ્તવ્રત આટલા વરસ પાળ્યું છે એ તો હવે સ્વર્ગવાસી થયા છે, તો હવે મારે આ પરિશ્રમવાળા વ્રતની શી જરૂર છે ? નાગિલાને મારા વિરહથી જે વેદના થતી હશે તેની સરખામણીમાં મારૂં આ સંન્યસ્તનું દુઃખ કાંઈ પણ લેખામાં નથી. એ બિચારી અત્યંત દુઃખી અવસ્થામાં હશે. એ પ્રિયતમાને જીવતી જોઈ શકું તો આજેજ ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરીને તેની સાથે આનંદમાં દિવસ નિર્ગમન કરૂં.”