પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩
નાગિલા


પાસે આ અનુરાગજનિત પાપબુદ્ધિની ક્ષમા માગો.”

નાગિલા પોતાના પતિ ભવદેવને આ પ્રમાણે બોધ આપી રહી હતી એવામાં તેની પાસે ઊભેલી બ્રાહ્મણીનો છોકરો કોઈ યજમાનને ત્યાંથી પુષ્કળ દૂધપાક જમીને ત્યાં આવ્યો અને માને કહેવા લાગ્યો: “મા ! આજે મેં અમૃતના જેવો મીઠો દૂધપાક ખાધો છે. તમે નીચે એક વાસણ ધરો. હુ એમાં ઊલટી કરૂં; કારણકે બીજી જગ્યાએ મારે જમવાનું નિમંત્રણ છે અને વમન કર્યા વગર ફરીથી ભોજન કરી શકાશે નહિ અને ભોજન કર્યા વગર યુજમાન દક્ષિણા પણ નહિ આપે. દક્ષિણા લઈને પાછો આવીને આ દૂધપાક ખાઈ જઈશ. મેં પોતે વમન કર્યું છે અને હું પોતેજ તેને ફરીથી ખાઈશ. પોતાનું વમન પોતે ખાવામાં શરમ શાની ?”

માતાએ પુત્રને મોંએથી આવી નિંદિત વાત સાંભળીને કહ્યું: “બેટા ! ઊલટી કરીને ખાધાથી લોકો ઘણી નિંદા કરશે. એવું કામ તે કદી થાય ?”

ભવદત્તે એ બ્રાહ્મણીના મતને પુષ્ટિ આપીને કહ્યું: “હે બાળક ! તું જો વમન કરેલું અન્ન ખાઈશ તો તું કુતરા કરતાં પણ નીચ ગણાઇશ.”

નાગિલાએ આવો સરસ લાગ મળેલો જોઈને કહ્યું: “હે તપોધન ! તમે આટલું બધું જ્ઞાન ધરાવો છો તો મને વમન કર્યા પછી, ફરીથી ગ્રહણ કરવાનો વિચાર શા માટે કરો છે ? હું ઘણીજ અધમ છું. માંસ, લોહી, હાડકાં વગેરે ઘણા નિકૃષ્ટ પદાર્થોની બનેલી છું અને વમન કરતાં પણ વધારે ગંદી છું, તો પછી મારી સાથે ફરીથી સંબંધ બાંધતાં આપને લજ્જા નહિ આવે ? પર્વત ઉપર આગ સળગે છે તે તો તમે જોઈ શકો છો, પણ તમારા પગની નીચે આગ સળગી રહી છે તે તે તમે જોતાજ નથી. આપ બીજાને ઉપદેશ આપો છો પણ પોતે ઉપદેશ પ્રમાણે ચાલતા નથી. જે આદમી બીજાને ઉપદેશ દેવામાંજ છે તેની ગણના પુરુષોમાંજ નથી. જે કોઇ પોતાની જાતને સલાહ અને ઉપદેશ આપવામાં પ્રવીણ છે, તેજ ખરેખરો પુરુષ છે.”

સતી નાગિલાનો ઉપદેશ સાંભળીને ભવદેવે કહ્યું: “દેવિ ! આજે તેં મને અમૂલ્ય ઉપદેશ આપ્યો છે. મોહાંધ થઈને હું આજ દિવસ સુધી ઊલટે માર્ગે જતો હતો. આજ તારા