પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

१९–कळावती

દેવશાળ નગરના રાજા વિજયસેનની પુત્રી હતી. એની માતાનું નામ શ્રીમતી હતું. તે વિદુષી નારી હતી. કળાવતી એની એકની એક કન્યા હોવાથી એના ઉપર એનો વિશેષ પ્રેમ હતો અને એ પ્રેમનો ઉપયોગ જૂઠાં લાડ લડાવવામાં ન કરતાં કન્યાને અનેક શાસ્ત્ર તથા કળાઓ અને નીતિનું ઉચ્ચ શિક્ષણ આપવામાં તેણે કર્યો હતો.

કળાવતી જ્યારે વિવાહ વયની થઈ ત્યારે સમજુ માતપિતાએ એ બાબતમાં તેનો અભિપ્રાય પૂછ્યો. તેણે જણાવ્યું કે, “જે પુરુષ મારા ચાર પ્રશ્નનો ઉત્તર આપશે તેને હું વરીશ.” પુત્રીનો એવો અભિલાષ જાણીને માતાપિતા પ્રસન્ન થયાં.

એ સમયમાં જબુદ્વીપના મંગળા દેશમાં શ્રીશંખરાજ નામનો એક પ્રજાવત્સલ રાજા રાજ્ય કરતો હતો. એક દિવસ તેના રાજ્યમાં એક દત્ત નામનો શાહુકાર જઈ પહોંચ્યો અને તેણે પોતાના પ્રવાસનું વર્ણન કરતાં, કળાવતીના રૂપ, ગુણ, તથા બુદ્ધિની પ્રશંસા કરી અને પોતાની પાસેથી તેનું એક ચિત્ર પણ બતાવ્યું. દેવાંગના સમ સૌન્દર્યમયી કળાવતીનું ચિત્ર જોતાંજ રાજા મોહ પામી ગયો અને તેના ગુણોનું વર્ણન સાંભળતાં તો એને વરવાની ઉત્કંઠા વધી પડી. કળાવતીએ પોતાના ચાર પ્રશ્નનો ઉત્તર આપનારને વરવાની પ્રતિજ્ઞા લીધી છે તે પણ એણે જાણી લીધું. એના પ્રશ્નોના ઉત્તર આપવાની યોગ્યતા મેળવવા એણે ઘણો સમય વિદ્વાનો અને સારા ગ્રંથોની સંગતમાં ગાળ્યો.

કળાવતીના પિતાએ તેના લગ્ન સારૂ સ્વયંવર રચ્યો હતો. અનેક રાજાઓ પરમ સુંદરી કળાવતીને વરવાની અભિલાષામાં ત્યાં આવ્યા હતા. એક પ્રતિહારીએ ઊંચે સ્વરે જણાવ્યું કે, “જે કોઈ રાજકન્યાના ચાર પ્રશ્નનો ઉત્તર આપશે તેને એ વરમાળ