પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭
કળાવતી



પહેરાવશે. એ ચાર પ્રશ્ન આ છે. ૧–દેવ કોણ ? ૨–ગુરુ કોણ ? ૩–તત્ત્વ શું અને ૪–સત્ત્વ કોને કહેવું ?”

અનેક રાજાઓએ ચારે પ્રશ્નોના ભિન્ન ભિન્નરૂપે ઉત્તર આપ્યા, પણ જૈનધર્મ ઉપર પ્રીતિ રાખનારી રાજબાળાને એ રુચ્યા નહિ. શંખરાજાએ ઉત્તર આપ્યો કે, “(૧) વીતરાગ એ પરમ દેવ છે, (૨) પંચમહાવ્રત ધારણ કરનાર પરમ ગુરુ છે, (૩) જીવમાત્ર ઉપર દયા રાખવી એજ તત્ત્વ છે અને (૪) ઇંદ્રિયો ઉપર નિગ્રહ રાખવો એનું નામ સત્ત્વ છે.” કળાવતી એ ઉત્તરથી પ્રસન્ન થઈ અને શંખરાજાના કંઠમાંજ તેણે વરમાળ આરોપી. ત્યાર પછી વિધિપૂર્વક લગ્નસંસ્કાર થયો. રાજાએ મોટી પહેરામણી આપીને શંખરાજાને કળાવતી સહિત વિદાય કર્યો.

રાજા શંખ અને કળાવતીનો એકબીજા ઉપર પુષ્કળ પ્રેમ હતા. તેમનો સંસાર સુખપૂર્વક વ્યતીત થવા લાગ્યો. થોડા સમય પછી કળાવતી ગર્ભવતી થઈ. આઠ માસ વીત્યા પછી એના પિયેરથી માણસો તેડવા આવ્યાં. એ માણસની સાથે એના ભાઈ જયસેને બહેનને ભેટ તરીકે કેટલાંક વસ્ત્ર તથા બે બેરખા મોકલ્યા હતા. રાજા શંખે કળાવતીને પિયેર મોકલવાની ના કહી એટલે જયસેનના સેવકો પેલી ભેટ બારોબાર કળાવતીને આપીને પાછા ગયા. કળાવતીએ ભાઈની એ ભેટને પ્રસન્નતાપૂર્વક ધારણ કરી અને એક દિવસ ઝરૂખામાં બેઠી બેઠી પોતાની એક સખીને કહેવા લાગી: “જોને, એનો મારા ઉપર કેવો પ્રેમ છે ? મારે સારૂ કેવા સારા બેરખા મોકલ્યા છે. એનાથી મારા હાથ કેવા શોભી રહ્યા છે. ?”

ઝરૂખાની નીચે થઈને જતા રાજાએ બે સખીએાની વાત સાંભળી અને એના મનમાં એવી શંકા ગઈ કે, રાણી કોઇના ઉપર ગુપ્તપણે પ્રેમ રાખે છે. શંકા ઉત્પન્ન થતાંવારજ એના રોમ રોમમાં ક્રોધ વ્યાપી ગયેા. એણે બે ચંડાળોને આજ્ઞા આપી કે, “રાણીને વનમાં મૂકી આવો અને બેરખા સહિત એનાં બે કાંડા કાપીને મારી પાસે લાવો.”

ચંડાળોએ કલાવતીને વનમાં લઈ જઈ રાજાની આજ્ઞા જણાવી. આવું દુઃખ કર્મના દોષ વડેજ પોતાના ઉપર આવી પડ્યું છે એમ ધારી એણે શાંતિથી ચંડાળોને પોતાના હાથ કાપવા દીધા.

એ અરણ્યમાંજ કળાવતીને પુત્રપ્રસવ થયો. તેને ઘણું ઓછું