પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯
શ્રીમતી (બીજી)


આવી ઘાતકી વર્તણુંક ચલાવી છે, માટે મારા અપરાધની ક્ષમા આપજે.” કળાવતીએ તો ક્યારનીએ પતિને ક્ષમા આપી દીધી હતી. કુલીન સ્ત્રીઓ સ્નેહાળ પતિના દોશને કદી હૃદયમાં સ્થાન આપતીજ નથી. ફરીથી એમનો સંસાર સુખમય થયો. પુત્રનું નામ એમણે પુષ્પકળશ પાડ્યું.

પુત્ર મોટો થયા પછી તેને રાજ્ય સોંપીને રાજારાણીએ દીક્ષા લીધી. લાંબા સમય સુધી ચારિત્ર્ય પાળીને તથા તત્ત્વચિંતન કરીને કળાવતી પતિસહિત સ્વર્ગે ગઈ.

२०–श्रीमती (बीजी)

નો જન્મ રાજપુરીનગરીમાં થયો હતો. એના પિતાનુ નામ ધનદત્ત અને માતાનું નામ ધનશ્રી હતું. સાત પુત્ર પછી એક પુત્રીનો જન્મ થયાથી શ્રીમતી માતાપિતાના બહુ સ્નેહને પાત્ર બની હતી.

એક વખત એ રાજ્ય ઉપર શત્રુએ આક્રમણ કર્યું અને જીવ બચાવવા સારૂ ગામના લોકોને નાસવું પડ્યું. શ્રીમતીની ધાવ એને લઈને નાસી ગઈ અને એક વનમાં વડવાઈની સાથે ઝોળી બાંધીને બાળકને સુવાડી પોતે પાણી પીવા ગઈ.

એવામાં રત્નપુરનો એક મોટો શેઠ જિનદત્ત ત્યાં આવી ચઢ્યો અને લાવણ્યમયી બાળાના રૂપ તથા સૌમ્ય મુખથી પ્રસન્ન થઈ, પોતાને ઘેર લઈ ગયો અને તેને પોતાની કન્યા પેઠેજ ઉછેરવા લાગ્યો.

જિનદત્ત શેઠે તેને સારું શિક્ષણ આપ્યું. સંગીતવિદ્યા ઉપર તેની વિશેષ રુચિ હતી. મૂળે તો તેનો કંઠ મધુર હતો અને પછી શાસ્ત્રવિધિથી સંગીતનું શિક્ષણ મેળવ્યું, એટલે તેના ગીતમાંથી એક અપૂર્વ મધુરતા આવતી.

એક વખત શ્રીમતી પોતાની સખીઓ સહિત રમી રહી હતી અને સંગીતનો વિનોદ ચાલી રહ્યો હતો, એવામાં રત્નપુરનો રાજા ત્યાં જઈ ચડ્યો અને તેના નૂપુરના ધ્વનિથી એટલો બધો પ્રસન્ન થયો કે, એને એ પોતાની પુત્રી સમાન ગણવા લાગ્યો.