પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



રમતારામ, અજાણ્યા પુરુષ સાથે લગ્ન કરવામાં જોખમ સમાયું છે એ સમજાવ્યું. સુનંદાએ કોઈ પણ જાતના જોખમની પરવા કરી નહિ; ભાવિ પતિ ઉપર જરાયે અણવિશ્વાસ આણ્યો નહિ. એક આર્ય બાળાને માટે ભૂષણરૂપ ગણાય એવા શબ્દોમાં તેણે ઉત્તર આપ્યો: “ભદ્ર ! આપ મને ખોટો ભય બતાવીને મારો વિચાર ફેરવવાની આશા ન રાખશો. મેં નિશ્ચય કર્યો છે કે, પરણીશ તો તમનેજ પરણીશ, નહિ તો સંયમપૂર્વક કૌમાર્યવ્રત ધારણ કરીશ. આપ પરદેશી છો અને લગ્ન કરીને મને છોડીને ચાલ્યા જશો તો હું પાતિવ્રત્ય ધર્મનું પાલન કરતી પિયેરમાં બેસી રહીશ અને રાતદિવસ આપના પ્રિય નામનોજ જપ કરીશ.”

પરીક્ષામાં સુનંદા પાર ઊતરી. શ્રેણિકે તેને પોતાનાં હૃદયનું દાન કર્યું. શુભ દિવસે બન્નેનાં લગ્ન થઈ ગયાં.

થોડા સમય પછી સુનંદાને ગર્ભ રહ્યો. એની માતા તેના બધા દોહદ પ્રેમપૂર્વક પૂરા કરવા લાગી, એમ છતાં સુનંદા દુર્બળ થતી જતી હતી. તપાસ કરતાં જણાયું કે એના મનમાં એક દોહદ ઉત્પન્ન થયો છે અને તે દોહદ પૂર્ણ થવાની આશા નહિ હોવાથી સુનંદા દિનપ્રતિદિન શોષાઈ જતી હતી.

ગર્ભાવસ્થામાં દરેક સ્ત્રીને દોહદ થાય છે. પણ સુનંદાનો દોહદ ઘણા ઊંચા પ્રકારનો હતો. એનો દોહદ હાથી ઉપર બેસીને રાજમાર્ગમાં દાન આપતાં જવાનો હતો. એ વખતે રાજા સાથે સાથે ચાલે. પછી એ દેવસ્થાનોમાં પૂજા કરે. પોતાના એ દોહદનું વિસ્તારથી વર્ણન કરતાં કહ્યું: “માતા ! મારી એવીજ ઇચ્છા છે કે, હાથી ઉપર બેસીને વાજતેગાજતે હું જાઉં; પંચ પરમેષ્ઠીનો મંત્ર ભણું, મનવાંછિત દાન આપું, સ્વધર્મીઓને સંતોષું, દેશમાં અહિંસાવ્રત પળાવું અને સાધુઓને સાત્ત્વિક ભોજન કરાવું.”

માતા પુત્રીનો આવો દોહદ જાણી પ્રસન્ન તો થઈ, પણ પોતાના ગજા ઉપરાંતની વાત હોવાથી ઉદાસ થઈ. તેણે જમાઈને એ વાત જણાવી. શ્રેણિક પત્નીના ઉચ્ચ અભિલાષથી પ્રસન્ન થયો. શ્રેણિકે એ દોહદ પૂરો થવાનો ઉપાય સૂચવ્યો. એ નગરના રાજાને સુલોચના નામની એક પુત્રી હતી. એનાં નયન સુંદર અને વિશાળ હોવા છતાં પણ તે તેજહીન હતાં. છતી આંખે તે આંધળી હતી. શ્રેણિકની પાસે એક રત્ન હતું, તે ઘસીને આંખે ચોપડ્યાથી