પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



અભિપ્રાય પૂછ્યો. સાસુએ પણ વહુની બધી વર્તણુંક મર્યાદાપૂર્વક છે એવી ખાતરી આપી, પણ શેઠે તો પોતે એને રાતે બહાર જતાં જોયેલી એટલે એને અનીતિના પ્રત્યક્ષ પૂરાવા તરીકે રજૂ કરીને એને વ્યભિચારિણી ઠરાવી. પુત્રના મનમાં પણ તેણે એ વાત ઠસાવી અને એવી વહુને ત્યજી દેવાનો નિશ્ચય કરાવ્યો. પુત્ર પણ સંમત થયો એટલે શેઠ વહુને પિયેરમાં મૂકી આવવાનું બહાનું કાઢીને શીલવતીને રથમાં બેસાડીને બહાર ગામ નીકળી પડ્યા.

માર્ગમાં નદી આવી એટલે શેઠે વહુને જોડા કાઢીને નદી ઊતરવાની સલાહ આપી. પણ વહુ તો જોડા સહિત ઊતરી. આગળ ચાલતાં મગનું એક ખેતર આવ્યું. શેઠે કહ્યું: “આ ખેતરના ધણીને માલની બહુ સારી ઊપજ થશે.” વહુએ કહ્યું: “જો એને કોઈ ખાઈ નહિ જાય તો આપનું વચન સાચું ઠરશે.” શેઠને લાગ્યું કે, આ વહુ નાદાન અને બહુબોલી છે. વળી આગળ જતાં એક સુંદર સમૃદ્ધિશાળી શહેર આવ્યું. સસરાએ તેનાં ઘણાં વખાણ કર્યાં, પણ વહુએ કહ્યું: “જો એ ઉજ્જડ હોત તો વધારે સારૂં.” આગળ જતાં એક યોદ્ધો મળ્યો. તે મારથી લોહીલોહાણ થયો હતો. સસરાએ તેની વીરતાની પ્રશંસા કરી, પણ વહુએ તે કહ્યું કે, “એ તો માર ખાઈને આવ્યો છે. એ બીકણ અને પામર પુરુષ છે.” શેઠને વહુના સ્વભાવથી કંટાળો આવતોજ જતો હતો. આગળ જતાં માર્ગમાં એક વડનું વૃક્ષ આવ્યું. શેઠ એની છાયામાં બેઠા, પણ વહુ તો શેઠે બોલાવ્યા છતાં દૂર જઈ બેઠી. ત્યાંથી આગળ પ્રયાણ કરતાં એક સુંદર શહેર આવ્યું. એમાં સાત પોળ હતી. શેઠે એની પ્રશંસા કરી, પણ વહુએ તો તેને ઉજ્જડ ગામડું ગણી કાઢ્યું. આગળ ઉપર ત્રણચાર ઘરવાળું એક ગામડું આવ્યું તેને જઈ વહુએ કહ્યું: “આ વસ્તીવાળું ગામ છે.” શેઠને શીલવતીના ઊલટા ઉત્તરોથી કોધ વ્યાપતો જતો હતો. એટલામાં શીલવતીના મામા ત્યાં આગળ આવ્યા અને પોતાને ત્યાં લઈ જઈ ઘણો આદરસત્કાર કર્યો. એણે માર્ગમાં ખાવા સારૂ ભાથું પણ બાંધી આપ્યું. ત્યાંથી આગળ વધતા બપોર થયા એટલે રસ્તામાં એક વૃક્ષની નીચે શેઠ સૂઈ ગયા અને વહુ ભાથું ખાવા લાગી. એટલામાં એક કાગડો બોલવા લાગ્યો. ચતુર શીલવતી પક્ષીઓની ભાષા સમજતી હતી. પ્રાચીન કાળમાં ભારતવર્ષમાં પશુપક્ષીઓની ભાષા જાણનારા ઘણા લોકો હતા. એ પણ