પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯
શીલવતી


 એક શાસ્ત્ર ગણાતું. હવે તો એ વિદ્યાને પુરાણોની દંતકથાજ માનવામાં આવે છે, પણ યૂરોપમાં કેટલાક આગ્રહી વિદ્વાનો પશુઓની ભાષા જાણવાના પ્રયાસમાં જીવન ગાળી રહ્યા છે. અસ્તુ ! કાગડાનો શબ્દ સાંભળીને શીલવતી બોલી ઊઠી: “ભાઈ, શું કામ વિલાપ કરી રહ્યો છે ? તારા મનની વાત હું જાણું છું.” શેઠ સૂતા સૂતા જાગતા હતા. તેને ખાતરી થઈ કે શીલવતી પક્ષીઓની ભાષા જાણે છે. કાગડો ફરીથી બોલવા લાગ્યો, એટલે શીલવતીએ કહ્યું: “પૂર્વે એકનાં વચનને લીધે તો મારે પતિ વિયોગનું દુઃખ સહન કરવા વારો આવ્યો, હવે ફરીથી તારો વિલાપ સાંભળીને કાંઈ કરવા જાઉં તો પિતાને મળવા જઈ રહી છું તેમાં પણ વિઘ્ન આવે.” એ સાંભળીને સસરાએ એને એવું બોલવાનું કારણ પૂછ્યું. ત્યારે શીલવતીએ જણાવ્યું કે, “કેટલીક વખત સાચું કહેવા જતાં ગુણ એજ દોષરૂપ થઈ પડે છે. આ સૃષ્ટિમાં જીવોને ઘણી વાર એમના સદ્‌ગુણની ખાતરજ સજા ખમવી પડે છે. બાલ્યાવસ્થામાં હું પશુપક્ષીઓની ભાષા શીખી હતી, તેને લીધે મને એમના સુખદુઃખનું જ્ઞાન થાય છે અને દયા ઊપજતાં હું ઘણી વાર એમને સહાયતા કરવા તૈયાર થાઉં છું.” આ ખુલાસો સાંભળતાંવાર શેઠને પોતાની ભૂલ માટે પસ્તાવો થયો અને તેણે વહુની ક્ષમા માગી. શીલવતીએ વિનયપૂર્વક કહ્યું: “આપ વડીલ અને પિતાતુલ્ય છો. ક્ષમા માગીને મને શરમાવો નહિ. આપ સૂતા હતા અને હું ઘડો લઈને બહાર ગઈ હતી, તે વખતે મેં એક શિયાળનો સ્વર સાંભળ્યો હતો. તે એમ કહેતી હતી કે, ‘એક મડદું તણાતું આવે છે. એના ઉપર લાખ રૂપિયાનાં ઘરેણાં છે.’ હું ત્યાં ગઈ અને મડદાની ઉપરથી લાખ રૂપિયાનાં ઘરેણાં ઉતારી દાટી આવી. વળી આ કાગડો આપણું ભાથું માગે છે અને કહે છે કે, આ વડના વૃક્ષ નીચે દશ લાખ સોનામહોર છે’.” શેઠને હવે લોભ થયો. કાગડાની તૃષ્ણા તૃપ્ત કરીને શેઠે પોતાની તૃષ્ણા મટાડવા સારૂ જમીન ખોદવા માંડી. એમાંથી સુવર્ણના કુંભ નીકળ્યા. તેને શીલવતીની બુદ્ધિને માટે ઘણો સારો અભિપ્રાય બંધાયો અને ઘર તરફ રથ પાછો વાળ્યો. માર્ગમાં શીલવતીએ પોતાના પ્રશ્નોના ઊલટા ઉત્તર આપ્યા હતા તેનો ખુલાસો પૂછ્યો. શીલવતીએ જણાવ્યું: “સાત સાત પોળવાળા ગામને મેં ઉજ્જડ એટલા સારૂ કહ્યું હતું કે, જે ગામમાં ઘણી વસ્તી