પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો


 હોય, છતાં આપણું તનનું માણસ ત્યાં કોઈ ન હોય તો તે ઉજ્જડ સમજવું. એથી ઊલટું ઉજ્જડ અને ઘણીજ આછી વસ્તીવાળા ગામડામાં આપણું સગાનું ઘર હોય તો એને વસ્તીવાળું ગણવું. પેલા ઝૂંપડીવાળા ગામમાંથી પણ મારા મામાએ આવીને આપણો કેટલો બધો સત્કાર કર્યો હતો ? વડના વૃક્ષની છાયામાં હું એટલા માટે નહોતી બેઠી કે વૃક્ષના મૂળ આગળ સાપ આદિ જીવ આવવાનો સંભવ રહે છે. પેલા સુભટને મેં કાયર અને બાયલો એટલા માટે કહ્યો હતો કે એની પીઠ ઉપરજ બધા ઘા હતા. એ વીર હોત તો એની છાતી ઉપર ઘા હોત. મગના ખેતરની બાબતમાં મેં આપના અભિપ્રાયમાં સુધારો કરીને એમ કહ્યું હતું કે, જો તે અત્યારે આગમચ ખવાયું ન હોત તો બેશક ઘણા સારા પાકવાળું છે. એનું કારણ એ કે, ખેડૂત લોકો એટલા બધા ગરીબ છે કે વાવેતર સારૂ બી અને પોતાના ખોરાક સારૂ અનાજ શાહુકાર પાસે દેવું કરીને લાવે છે, એટલે પાક ઊતરીને તેમના ઘરમાં આવે તે પહેલાં તો પાકની કિંમત જેટલું દેવું એમના ઉપર ચડી ગયું હોય છે.” એવી રીતે શીલવતીએ પોતાની બધી વર્તણૂકના સંતોષકારક ઉતર આપીને સસરાને પ્રસન્ન કર્યા.

થોડાક સમય પછી એનાં સાસુસસરા મરી ગયાં, એટલે અજિતસેન અને શીલવતી કુટુંબના વડીલ બન્યાં. એ દેશના રાજાએ પૂછેલા એક વિકટ પ્રશ્નનો ઉત્તર શીલવતીની બુદ્ધિથી તેના પતિએ રાજાને સંતોષ પમાડે એવી રીતે આપ્યો, એથી પ્રસન્ન થઈને રાજાએ તેને પોતાનો મંત્રી બનાવ્યો હતો.

કેટલાક સમય પછી શીલવતીના સૌંદર્ય અને બુદ્ધિની પ્રશંસા સાંભળીને રાજાના મનમાં વિકાર ઉત્પન્ન થયો. રાજાએ તેના પતિને કામ પ્રસંગે બહાર કર્યો અને પોતે પોતાના અધમ મિત્રોને શીલવતીને લલચાવવા સારૂ મોકલ્યા. શીલવતી ઘણીજ પતિવ્રતા હતી. શીલવતીએ પોતાની બુદ્ધિથી એના ચારે મિત્રોને કેદ કરીને પેટીમાં પૂર્યા અને રાજા અરિમર્દનને તેમની દુર્દશા બતાવી. રાજાને ખાતરી થઈ કે શીલવતી ખરેખર શીલમાં પ્રથમ પંક્તિની છે. એણે સતીનો ઘણો સંસ્ત્કાર કર્યો.

શીલવતી તેના સમયમાં આદર્શ સતી મનાતી હતી.

ઉત્તરાવસ્થામાં તેણે ધર્મની દીક્ષા લીધી હતી. જૈનો માને છે કે, સતી શીલવતી પતિસહિત પાંચમે દેવલોકે વસે છે.