પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૩
સરસ્વતી


 થયો અને દીક્ષા લેવાનો નિશ્ચય કર્યો.

માતાની સલાહ માની રાજાને મળીને એ થોડી વારમાં ઉપર ગયો. ભદ્રાએ રાજાનો આદરસત્કાર બહુ સારી રીતે કર્યો. ભાતભાતનાં ભોજન જમાડ્યાં. ઊંચી જાતનાં વસ્ત્રાલંકાર નજરાણામાં ધર્યાં. રાજા પ્રસન્ન થતો અને પોતાના રાજ્યમાં આવા શેઠ તથા આવી વિદુષી અને કુશળ ગૃહિણીઓ વસે છે તે માટે અભિમાન ધરાવતો રાજમહેલમાં પાછા ગયો.

શાળિભદ્રે ઘરબાર ત્યજી દીક્ષા લીધી. પુત્રના હૃદયનો ઉગ્ર ભાવ સમજી જઈ ભદ્રાએ પુત્રને એ માર્ગે જવા રજા આપી. ભદ્રાના જમાઈએ પણ એજ સમયમાં દીક્ષા ગ્રહણ કરી.

પુત્ર તથા જમાઈના ગૃહત્યાગ પછી ભદ્રાએ ધર્મસાધના અને ચિંત્વન તથા ધ્યાનમાંજ આયુષ્ય ગાળ્યું. પાછળથી એણે પણ વૈરાગ્ય આણીને મહાવીરસ્વામી પાસે દીક્ષા લીધી. સાધ્વીરૂપે અનેક નગરો તથા ગામમાં વિચરીને તેણે સ્ત્રીઓને ધાર્મિક જીવન ગાળવાનો બોધ આપ્યો હતો અને તપશ્ચર્યાપૂર્વક સંયમી જીવન ગાળી તે સ્વર્ગે સિધાવી હતી.

२६–सरस्वती

મગધ દેશના ધારાવાસ નગરના રાજા વજ્રસિંહની પુત્રી અને પ્રસિદ્ધ જૈન આચાર્ય ત્રીજા કાલિકાચાર્યની બહેન હતી. બન્ને ભાઈબહેનને માતપિતા તરફથી સારૂં શિક્ષણ મળ્યું હતું. એ શિક્ષણને પ્રતાપે આ બન્નેની રૂચિ ધર્મ તરફ હતી.

એક દિવસ કાલિકકુમારને ગુણધરસૂરિ નામના વિદ્વાન સાધુની મુલાકાત થઈ. સાધુએ તેને ઉપદેશ આપ્યો કે, “નરભવ, મનુષ્યક્ષેત્ર, ઉત્તમ જાતિ, શ્રેષ્ઠ કુળ, ઉત્તમ રૂપ, આરોગ્ય, લાંબુ આયુષ્ય, ઉત્તમ બુદ્ધિ, ધર્મશ્રવણ, ધર્મનું ગ્રહણ, ધર્મ ઉપર શ્રદ્ધા અને સત્તર પ્રકારનો સંયમ એટલાં વાનાં મળવાં દુર્લભ છે.” મુનિના એ શબ્દોએ કુમારના ચિત્ત ઉપર ઊંડી અસર કરી. એ ઘેર આવ્યો અને બહેન સરસ્વતીને એ ઉપદેશ સંભળાયો. એ ઉપદેશ સાંભળતાં સરસ્વતીના હૃદયમાં પણ વૈરાગ્ય ઉત્પન્ન થયો.