પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



નીવડ્યો હતો, તેનાથી ખમાયું નહિ. એણે કોઈ રીતે પવિત્ર નાગદત્તને ફસાવવાનો નિશ્ચય કર્યો. એક દિવસ રાજાનું કુંડળ રસ્તામાં પડી ગયું. એ કુંડળ કોટવાળના દીઠામાં આવ્યું. તેણે ગુપ્ત રીતે એ કુંડળને નાગદત્ત કાંઈ કામ કરી રહ્યો હતો તે સ્થાનમાં એક વસ્ત્રમાં વીંટાળીને મુક્યું અને પછી તેના પર ચોરીનો આરોપ મૂક્યો. નાગદત્ત ઉપર મુકદ્દમો ચાલ્યો. કોટવાળના પૂરાવા ઉપરથી એ નિર્દોષ યુવકને શૂળીએ ચઢાવવાની સજા થઈ. એ હુકમ સાંભળતાંજ નાગદત્ત તો આશ્ચર્ય પામ્યો, પણ એની સાધ્વી સ્ત્રીએ ધીરજ આપી કે, “પ્રાણનાથ ! રાજાનો હુકમ પુખ્ત વિચાર કર્યા વગરનો અને ન્યાયથી વિપરીત છે પણ એને તાબે થવું એજ આપણું કર્તવ્ય છે. હું જાણું છું કે તમે અદત્તાદાનનું વ્રત લીધેલું છે. પારકું ધન તમારે માટે માટી સમાન છે. સત્યવ્રતનો મહિમા શાસ્ત્રમાં ઘણો કહ્યો છે, માટે ધર્મ ઉપર દૃઢ શ્રદ્ધા રાખી આપ રાજાની આજ્ઞાને તાબે થાઓ. ધર્મજ આપનું રક્ષણ કરશે.”

નાગદત્ત રાજાની સમીપ ગયો. રાજદૂતો જે સમયે એને વધસ્તંભ ઉપર લઈ ગયા તે સમયે એવો ચમત્કાર બન્યો કે એ વધસ્તંભ એક દિવ્ય સિંહાસનમાં બદલાઈ ગયો. વળી આકાશવાણી થઈ કે, “નાગદત્ત નિર્દોષ છે. એ પરમ ધાર્મિક પુરુષ છે. એણે અદત્તાદાનનું મહાવ્રત લીધું છે. પારકી વસ્તુ કદી પણ ન લેવાનો એણે દૃઢ સંકલ્પ કરેલો છે. એના ઉપર આરોપ મિથ્યા છે અને દ્વેષને લીધે ઊભું કરવામાં આવેલો છે.”

સતી નાગવસુને પતિની નિર્દોષતા આ પ્રમાણે દૈવી સહાયતાથી સાબિત થયેલી જોઈને ઘણો આનંદ થયો. રાજાએ પતિપત્નીનો ઘણો સત્કાર કર્યો.

સતી નાગવસુને પતિના વ્રતની શ્રેષ્ઠતા સિદ્ધ થવાથી ઘણોજ સંતોષ થયો. એ પ્રસંગે એકઠા થયેલા લોકોને એણે ઉપદેશ આપ્યો કે, “ધર્મ સર્વ મંગળ કાર્યનું મૂળ છે, સર્વ દુઃખ ટાળવાનું ઔષધ છે અને અતુલ બળરૂપ છે. ધર્મજ મનુષ્યમાત્રનું શરણ છે. જીવદયા, સંયમ, તપ એ ધર્મનાં ઉત્તમ અંગ છે. જેનું મન નિરંતર ધર્મને વિષે રહે છે, તેને સ્વયં દેવતાઓ પણ નમસ્કાર કરે છે.”