પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



२९–ज्वालादेवी

ગજપુર નગરના રાજા પદ્મોત્તરની રાણી હતી. જૈન મુનિ સુવ્રતાચાર્યના સમયમાં એનો જન્મ થયો હતો. એના ગર્ભથી વિષ્ણુકુમાર અને મહાપદ્મ નામના બે પુત્ર સંતાન ઉત્પન્ન થયાં હતાં. બન્ને ભાઈઓ ઘણા વિદ્વાન અને પરાક્રમી હતા. માતા જ્વાલાદેવી તરફથી બન્નેને સારૂં શિક્ષણું મળ્યું હતું.

જ્વાલાદેવી ઘણી પતિવ્રતા તથા ધર્મપરાયણા હતી. એ ત્રિકાલ ધર્મારાધન કરતી અને સાત ક્ષેત્રોમાં દાન કરવી. ગરીબોનાં દુઃખદારિદ્ર્‌ય દૂર કરવામાં એને વિશેષ આનંદ આવતો. રાજા એની એવી વૃત્તિથી ઘણો પ્રસન્ન રહેતો અને રાણીની શુભ પ્રવૃત્તિઓને તન, મન, ધનથી ઉત્તેજન આપતો.

સતી જ્વાલાદેવીના મોટા પુત્ર વિષ્ણુકુમારે સુવ્રત સ્વામી પાસે દીક્ષા લઈ ઘરસંસારનો ત્યાગ કર્યો હતો અને ધર્મોપદેશકનું કાર્ય કરી મહામુનિ તરીકે પ્રસિદ્ધિ મેળવી હતી. પુત્રની કીર્તિ સાંભળીને જ્વાલાદેવીને ઘણો આનંદ થતો હતો. એ પોતાનો ઘણો ખરો સમય ધર્મસાધનમાંજ ગાળતી હતી. દાન કરવામાં એણે પાછું વળીને જોયું નહોતું. તે સ્વધર્મી કે પરધર્મી બધાને એકસરખું દાન કરતી હતી. દાનધર્મનો મહિમા એણે પોતાના ઉદાહરણ તથા ઉપદેશથી વધાર્યો હતો.

જૈન ઈતિહાસમાં વિષ્ણુકુમાર અને પદ્મોત્તર ચક્રવર્તીની માતા તરીકે તથા એક પરમ દાનશીલ રાણી તરીકે સતી જ્વાલાવતીનું નામ પ્રસિદ્ધ છે અને સદાકાળ રહેશે.