પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૧
ચિલ્લણા



સજા કરવાનો વિચાર કર્યો. એવામાં સતીના સદ્‌ભાગ્યે શ્રીમહાવીરસ્વામી એ નગરમાં પધાર્યા. રાજાએ તેમનો ઘણો સત્કાર કર્યો અને પોતાના હૃદયની શંકા એમની આગળ જણાવીને પૂછ્યું: “મારી સ્ત્રી સતી છે કે વ્યભિચારિણી ?” મહાવીરસ્વામીએ કહ્યું: “તારી સર્વે સ્ત્રીઓની પેઠે ચિલ્લણા પણ સતી છે. એવી પત્ની પામવી એ પૂર્વજન્મના સત્કર્મનું ફળ છે. એનાથી પ્રસન્ન રહેવાને બદલે તેં એને માટે શંકા આણી એ તારો મહાન અપરાધ છે. ગઈ કાલે એણે સાધુને નિમંત્રણ આપ્યું હતું. એમની પાસે ઓઢવાને કાંઈ વસ્ત્ર ન હતું. શિયાળાનો દિવસ હોવાથી ચિલ્લણાને ઘણી દયા ઊપજી હતી, એથીજ સ્વપ્નમાં પણ એનો એ વિચાર આવતાં એ લવી ઊઠી હતી કે, ‘એને કેમ હશે ?’ અર્થાત્‌ આવી ટાઢમાં એ બિચારા સાધુની શી દશા થતી હશે ?”

મહાવીરસ્વામીએ કરેલા આ ખુલાસાથી રાજાને સંતાપ થયો અને આવી દયાળુ પત્ની માટે સંદેહ આણવા સારૂ પશ્ચાત્તાપ કરવા લાગ્યો.

ત્યાર પછી ચિલ્લણા ઉપર સ્વામીનો પ્રેમ પહેલાં કરતાં પણ અધિક બન્યો હતો. પતિની માનીતી સ્ત્રી હોવા છતાં સપત્નીઓ સાથે તેનો વ્યવહાર બહુ પ્રેમભર્યો હતો.

શ્રીમહાવીરસ્વામી પાસે ચિલ્લણાએ દીક્ષા લીધી હતી અને ધર્મસાધનામાં શેષ જીવન ગાળી મુક્તિની અધિકારી બની હતી.