પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૩
સુજ્યેષ્ઠા


 પોતાનો ઘણોએ બચાવ કર્યો પણ એમના માન્યામાં આવ્યું નહિ. આખરે બધી સાધ્વીઓ મહાવીરસ્વામી પાસે ગઇ. એ પોતાના યોગબળ વડે ભૂતકાળનો વૃત્તાંત પણ સ્પષ્ટ રીતે જાણી શકતા હતા. ભગવાને એમને કહ્યું: “સાધ્વીઓ ! તમે બિચારી સુજ્યેષ્ઠાના ચારિત્ર્ય માટે શંકા ન આણશો. એ પરમશીલવતી સાધ્વીના શુદ્ધ જીવનને કલંકિત કરીને પાપમાં ન પડશો. એ ગર્ભવતી છે એ વાત ખરી, પણ એણે સ્વપ્નમાં પણ પુરુષ સાથે સંયોગ કર્યો નથી. એ તો એક વિદ્યાધર પોતાની વિદ્યાના બળ વડે ગુપ્ત રીતે તેનામાં ગર્ભ સંચાર કરી ગયો છે. એ બિચારીને એ વિષયની કાંઈ ખબર નથી. એ પોતે તદ્દન નિર્દોષ છે.”

આથી બધી સાધ્વીઓને સંતોષ થયો અને તેમણે શુદ્ધ હૃદયથી સુજ્યેષ્ઠાને ક્ષમા આપી.

યથાસમયે સુજ્યેષ્ઠાએ એક પુત્રને જન્મ આપ્યો. એનું નામ સાત્યકિ પાડવામાં આવ્યું. જન્મ્યા પછી તરતજ એને કોઈ શ્રાવકને ઘેર મૂકવામાં આવ્યો. સુજ્યેષ્ઠા જેવી માતાના ગર્ભમાં જન્મ લીધાથી એ ઘણો બુદ્ધિમાન નીવડ્યો હતો અને અનેક પ્રકારની વિદ્યાઓ બહુ સહેલાઈથી શીખ્યો હતો. સાત્યકિના જીવનનો વૃત્તાંત લખી અમે વાચકનો સમય લેવા નથી માગતા. સુજ્યેષ્ઠા કદી એને મળી નહોતી. ગર્ભધારણના બનાવમાં એનો જરા પણ દોષ નહોતો, છતાં પણ એ પ્રસંગને લીધે સમાજમાં એની ચર્ચા થઈ. થોડો સમય પણ એના શુદ્ધ ચારિત્ર્યને કલંક લાગ્યું, એ વિચારથી એ કુલીન સન્નારીને ઘણું જ દુઃખ થતું હતું. હવે એણે પોતાનો ઘણોખરો સમય તપશ્ચર્યામાંજ ગાળવા માંડ્યો હતો. તપશ્ચર્યાની સાથે એ પરોપકાર કરતી અને પોતાનાથી ઓછા જ્ઞાનવાળાઓને જ્ઞાન આપતી.

ઉજ્જયિનીના રાજાની રાણી શિવા સુજ્યેષ્ઠાના સમાગમમાં આવી હતી અને સુજ્યેષ્ઠાએ રાણીને પોતાના સ્વધર્મીઓ તથા પ્રજા પ્રત્યેના કર્તવ્યનો બોધ આપ્યો હતો.

આ પ્રમાણે સાધ્વી સુજ્યેષ્ઠાએ અનેક સન્નારીઓને પરોપકારનાં કાર્યમાં પરોવી હતી. આખરે શ્રીમહાવીરસ્વામીના ઉપદેશથી અનેક પ્રકારનાં તપ દ્વારા કર્મનો ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સુજ્યેષ્ઠા મુક્તિપદને પામી હતી.