પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



વેપારીઓ બહુ સાહસિક હતા. સમુદ્રયાત્રાનો નિષેધ એ કાળમાં નહોતો. મહેશ્વરદત્ત યવનદ્વીપમાં વેપાર કરવા સારૂ જવા નીકળ્યો. પતિપ્રાણા નર્મદાસુંદરી પણ તેની સાથે જવા નીકળી. મહાસાગરમાં કોઈ બેટમાં દૂર કોઈ પુરુષનું સંગીત સાંભળવામાં આવ્યું. નર્મદાસુંદરી એવી ગુમ વિદ્યા ભણી હતી કે, મનુષ્યનો સ્વર સાંભળીને એના સ્વરૂપ તથા ગુણનું યથાર્થ વર્ણન કરી શકતી. એ વિદ્યાનો ચમત્કાર પતિને બતાવવાનો આજ એને શોખ થયો. એણે કહ્યું: “જે પુરુષ આ ગીત ગાય છે, તેનું શરીર શ્યામ છે; હાથ, પગ અને કેશ જાડા છે, એ મહા સત્યવાદી છે. વળી તેને ગુપ્ત સ્થાન ઉપર મસ છે અને છાતી ઉપર લાખું છે. એનું વય આશરે બત્રીશ વર્ષનું છે.” આ સાંભળીને મહેશ્વરદત્તને પત્નીના ચારિત્ર્ય વિષે શંકા ઉપજી કે, “આ સ્ત્રી જરૂર એ પુરુષ ઉપર મોહી ગઈ છે અને એની સાથે એને પ્રથમ સમાગમ થયેલો લાગે છે; નહિ તો જેનું શરીર દેખાતું નથી તેના રૂપગુણને એ કેવી રીતે પારખી શકે ? આ સ્ત્રીએ મને દગો દીધો. હું એને પતિવ્રતા ગણીને ચાહતો હતો, પણ એણે મારા વિશ્વાસનો ભંગ કર્યો છે. એવી સ્ત્રીનો નાશ કરૂં ત્યારે જ હું ખરો.” એટલામાં રાક્ષસદ્વીપ આવતાં વહાણે ત્યાં લંગર નાખ્યું અને મહેશ્વર ક્રીડા કરવાને બહાને પત્નીને કિનારા ઉપરના વનમાં લઈ ગયો. ત્યાં નર્મદાને નિદ્રા આવી ગઈ અને એજ અવસ્થામાં પતિ એને છોડીને ત્યાંથી ચાલી નીકળ્યો અને વહાણ ઉપર આવીને કહેવા લાગ્યો કે, “વાઘ જંગલમાં મારી પત્નીને ખાઈ ગયો.” આ પ્રમાણે થોડો વખત મિથ્યા શોક કરી, વહાણ હંકારીને એ ચાલતો થયો; અને દેશાવરમાં ધન સંપાદન કરી પોતાને નગર ગયો તથા બીજી વાર લગ્ન કરી સુખે રહેવા લાગ્યો.

પેલી તરફ નિદ્રામાંથી જાગતાં નર્મદાએ પતિને ન જોયા તેથી એ ઘણાં આશ્ચર્યમાં પડી. પહેલાં તો એ સમજી કે પતિ મારી મશ્કરી કરતા હશે. એણે પતિને ઘાંટા પાડીને ઘણી વાર બોલાવ્યા, જંગલમાં શોધી વળી, સમુદ્રકિનારે જઈ આવી પણ ક્યાંચે પત્તો લાગ્યો નહિ. હવે એની નિરાશાનો પાર રહ્યો નહિ. એ હૃદયવિદારક વિલાપ કરવા લાગી અને આખરે થાકી ત્યારે પ્રભુનું જ શરણ લઈ, પોતે જ પોતાના આત્માને સમજાવવા લાગી: “હે આત્મા ! તે પૂર્વજન્મમાં જે કર્મ કર્યું છે, તે ભોગવ્યેજ