પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૯
નર્મદાસુંદરી



છૂટકો છે. શોક કરવો મિથ્યા છે.” પછી તે સરોવરમાં સ્નાન કરી જિનેશ્વરનું ધ્યાન ધરીને કેવળ ફળાહાર ઉપર રહેવા લાગી. શોકનો ત્યાગ કરીને તે વ્રતપરાયણ થઈ.

એવામાં તેનો એક પિતરાઈ કાકો વીરદાસ ત્યાં જઈ ચડ્યો અને તે નર્મદાસુંદરીને પોતાની સાથે પ્રવાસમાં લઈ ગયો. તે બર્બ૨ દેશના રાજાની રાજનગરીમાં પહોંચ્યો અને નર્મદાને એક તંબૂમાં ઉતારી. એક દિવસ કામ પ્રસંગે તે બહાર ગયો હતો, તેવામાં એ નગરની એક પ્રસિદ્ધ વેશ્યાએ વીરદાસ તમને બોલાવે છે, એવું મિથ્યા કહેવરાવીને નર્મદાસુંદરીને પોતાને ઘેર પ્રપંચથી બોલાવી. એનું ઘર જોતાંજ નર્મદા પ્રપંચ સમજી ગઈ અને તેને ઘણો ક્ષોભ થયો. વેશ્યાએ તેને પાપના માર્ગે જવાને ઘણુંયે સમજાવ્યું, પુષ્કળ લાલચ બતાવી, પણ નર્મદા ચળી નહિ અને ઉત્તર આપ્યો: “જ્યાંસુધી આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી મારૂં આ શિયળરૂપી માણિક્ય હરવાને કોણ સમર્થ છે ? તમારા અધમ જીવનમાં સુખ માણે અને પરલોકને ભૂલી જાય એવા તે ભૂખ લોક કોણ હશે ? બાળક હોય તેજ માણિક્યને ચણા સમજીને તેનાથી રમે.” આ વચનોથી વેશ્યાને ક્રોધ ઊપજ્યો અને તેણે નર્મદાને મારવા માંડી. નર્મદાએ એવે સમયે એકાગ્ર ચિત્તે પંચ પરમેષ્ઠી નમસ્કારનું સ્મરણ કરવા માંડ્યું, એથી વેશ્યાનું અકસ્માત્ મોત નીપજ્યું.

રાજાને એ વાતની ખબર પડતાં તેણે નર્મદાને બળાત્કારથી પોતાના મહેલમાં બોલાવી મંગાવી. ગમે તે જોખમે સતીત્વનું રક્ષણ કરવાનો દૃઢ સંકલ્પ કરીને નર્મદા એના સુખાસનમાં બેઠી અને રસ્તામાં એક મોટો ખાળ આવતાં એકદમ એમાં પડી અને ગંદા પદાર્થથી પોતાનું સુંદર શરીર ખરડી દીધું. બહાર આવીને તે પોતાનાં વસ્ત્ર ફાડવા લાગી અને જાણે ગાંડી થઈ હોય કે ભૂત ભરાયું હોય એવો ઢોંગ કરવા માંડ્યો. એને જોઈને રસ્તામાં લોકો બીને નાસવા લાગ્યા. રાજાએ તેને જંગલમાંજ છોડી દીધી. ત્યાં એ જિનેશ્વરનાં ગીત ગાતી ફરતી હતી. ત્યાં જિનદાસ નામના એક પરોપકારી જૈનની એને મુલાકાત થઈ. જિનદાસે બતાવેલી યુક્તિથી નર્મદાસુંદરી એ રાજાની હદમાંથી છૂટવા પામી. એ પરોપકારી નર એને પોતાની સાથે નર્મદાપુર લઈ આવ્યો અને એ સતીના દુઃખની કહાણી બધાને કહી સંભળાવી.