પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગોકુળપર્વ

.

દ્વંદ્વ યુદ્ધ કરવામાં પાછી પાની કરતા નથી, સિંહ અને સર્પ સામે થવાથી બ્હીતા નથી, તે એક છીંકના અપશુકનથી, ભૂતના આભાસથી, બીહામણા સ્વપ્નથી, જોશીના જોશથી કે હૃદયમાં સંભળાયલી અણધારી આકાશવાણીથી એવા નાહિમ્મત થઈ જાય છે કે કોઇ પણ રીતે તે એ વિષયમાં શ્રદ્ધાવાન અને નિશ્ચિન્ત થઇ શકતા નથી.

દેવકી-પુત્રોનો
નાશ

કંસે પણ એવી એક આકાશવાણી સાંભળી હતી. દેવકીનો આઠમો ગર્ભ પોતાનો નાશ કરશે, એવો તેને વહેમ ભરાયો હતો; અને તેથી સર્વે ડરપોક માણસો કરે છે તેમ એણે દેવકીનાં બાળકોને જન્મતાં જ મારી નાખવાનો ક્રમ માંડ્યો. આઠમો ગર્ભ કયો એ ગણવામાં કદાચ ભૂલ થાય, આઠમું બળક મરે પણ બીજાં જીવતાં રહે તો કદાચ એ પણ બાપને કનડવા અને ભાઈને મારી નાંખવા માટે એના ઉપર વેર વાળે, કદાચ એ યાદવોના નેતા થાય, એવી ધાસ્તીથી એણે વાસુદેવના એક પણ બાળકને જીવતું ન રાખવાનો નિશ્ચય કર્યો. આ રીતે તેણે દેવકીના છ પુત્રોનો અન્ત આણ્યો. રોહિણીના ગર્ભના પણ એ જ હાલ થાય, એ ધાસ્તીથી એને

૯૧