પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગોકુળપર્વ

.

સદ્‍ગુણો છોકરાંમાત્રથી જુદાં પડે છે, એવું ન લાગ્યું હોય એવી માતા પૃથ્વીતળ ઉપર ભાગ્યે જ થઇ હશે. તેમાં વળી એ બાળક મોટપણે નામ કાઢે, એટલે તો એના બાલ્યજીવનના બારીક પ્રસંગો પણ અદ્‍ભુત થઇ જાય છે અને એની સ્મૃતિઓ આનંદદાયી થાય છે. તેમાં આ બાળકો વિશેષ લાગે એમાં નવાઈ ન હતી. એ ગોપોમાં ઉછરતા હોવાથી સર્વે એમને ગોપકુમાર માનતા, અને એ પોતે પણ પોતાના ક્ષાત્રવંશને જાણતા ન હતા. છતાં અગ્નિને લાકડાની પેટીમાં કેવી રીતે સંતાડી શકાય ? તેમ કાળી કામળીમાં આ ભાઇઓનું ક્ષાત્રતેજ પણ ઢાંક્યું રહ્યું નહિ. નાનપણથી જ એમની બુદ્ધિમતા અને સાહસિક વૃત્તિ એમની રમતોમાં દેખાઇ આવતી. છાશની દોણી ફોડવામાં, સીકાં પરથી માખણ ચોરવામાં, વાછડાંને છોડી મુકવામાં, એમની પુછડી પકડી એમને આમથી તેમ ફેરવવામાં એ કેવળ પોતાની રજસ્ ક્ષત્રિય વૃત્તિનુ દર્શન કરાવતા હતા. પોતાના માનીતા મુખીના છોકરા, સૌન્દર્યના ભંડાર અને પોતાનાં તોફાનથી જબરીથી ધ્યાન ખેંચી રાખનાર, એના ઉપર પ્રજાપ્રેમી ગોપીઓ ઘેલી થવા લાગી. સરખી ઉમરના છોકરાઓ
૯૫