પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૃષ્ણ

નાંખી એને મારી નાંખ્યો હતો. આથી એ બાળક મરેલું અવતર્યું. હવે વંશ ચાલુ રહેવાની સર્વે આશા નષ્ટ થઈ. સ્ત્રીઓમાં રડારોળ થઈ રહી. ઉત્તરા કૃષ્ણની આગળ ખૂબ વિલાપ કરવા માંડી. એ કૃષ્ણથી સાંભળી શકાયો નહિ. દયાથી એમનું હૃદય ભરાઈ આવ્યું. એ ઉત્તરાના ઓરડામાં ગયા અને એક આસન પર આચમન કરી બેઠા. પછી મૃત બાળકને ખોળામાં લઈને મોટે સ્વરે બોલ્યા: "મેં આજ સુધી મશ્કરીમાં સુદ્ધાં અસત્ય ભાષણ કર્યું નથી અને યુદ્ધમાંથી પાછો ફર્યો નથી, તે મારાં પુણ્યથી આ બાળક જીવતો થાઓ. મારાં સદૈવ ધર્મપ્રિયતા અને ધર્મના અધિષ્ઠાતા બ્રાહ્મણો પ્રત્યેની પૂજ્યતાને લઈને અભિમન્યુનો પુત્ર જીવન્ત થાઓ. મેં વિજયમાં સુદ્ધાં બીજાનો વિરોધ કર્યો નથી તેને લઈને આ બાળકના પ્રાણ પાછા આવો. કંસ અને કેશીનો મેં ધર્મથી નાશ કર્યો હોય તો તે બાબતથી આ બાળક ફરીથી સચેતન થાઓ." આમ શ્રીકૃષ્ણ બોલતા હતા, ત્યાં ધીમે ધીમે તે બાળકનો શ્વાસ ચાલવા લાગ્યો અને થોડી વારમાં તેણે રુદન કરવા માંડ્યું. આ બાળક તે રાજા પારક્ષિત, જેને શુકે ભાગવત

૧૪૬