પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ

આર્યોએ વસાહતો કરવી એટલે રાક્ષસોની જમીન લૂંટવી અને એમને મારી નંખવા કે હાંકી કાઢવા. આથી એમને આર્યો સાથે વેર હોવું એ સ્વાભાવિક છે, અને તેથી તેઓ વિશ્વામિત્રના યજ્ઞમાં વિઘ્ન નાંખે જ. એક કલ્પના આ છે. બીજી કલ્પના એ છે કે ઉપર કહ્યા તેવા રાક્ષસોની મોટી વસ્તી લંકામાં હતી. રાવણ એમનો રાજા હતો. એ હિન્દુસ્તાન ઉપર પોતાનું રાજ્ય સ્થાપવા ઇચ્છતો હતો, અને દેશના ઘણા માણસોમાં એણે રાક્ષસોને વસાવ્યા હતા.એ આર્યો પર જુલમ ગુજારતા અને એમને કોઇ ઠેકાણે સુખે રહેવા દેતા નહિ. પણ એમ હોય તો રાક્ષસો મંદ બુદ્ધિના કે શસ્ત્રાદિક સાધન વિનાના નહિ, પણ અત્યંત બુદ્ધિશાળી, અને યુધ્ધકળા તથા યુદ્ધની સામગ્રી બનાવવામાં અને માયાવી (જાદુઇ-યાંત્રિક) વિદ્યાઓમાં કુશળ હતા.

રાક્ષસ અને અસુરમાં ભેદ છે. અસુર એટલે સામાન્ય માણસ જેવો માણસ જ; પણ અતિશય કામી, ક્રોધી, લોભી, અન્યાયી, નિર્દય, સ્વાર્થ માટે પારકાનું સર્વસ્વ નાશ કરતાં ન અચકાનાર. રાક્ષસ એ સિંહ-વાઘ જેવો વનચર બળવાન મનુષ્ય; અસુર એટલે સદ્‍ગુણ રહિત મનુષ્ય. અસુર તે મનુષ્યત્વનો શત્રુ, અને રાક્ષસ તે જંગલી માણસ. રાવણ પોતે અસુર હોઈ રાક્ષસોને પરાધીન કરી એમનો રાજા થયો હશે, એમ સંભવે છે.

પૃ.૮, લી. ૧૯ : જનક - એ ખરૂં જોતાં કોઇ એક રાજાનું નામ નથી, પણ મિથિલાના સર્વે રાજાઓની પદવી છે.

૭૬