પૃષ્ઠ:Rasataragini.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૮

હીંચોળાશે. “રવિબાબુ"એ “શિશુ” લખીને જેમ પુત્ર-ઘેલડી માતાઓને ગાવા હાલરડાં દીધાં, અને માઘેલડા દીકરાને માવા કાલાં કાલાં કાવ્યો દીધાં, તેમ બોટાદકરે પણ દેવાનાં રહ્યાં છે, ગુજરાતની એ સદા અાશા રહેવાની.

ભાષા સદાય ભાવોની અંદરથી આપોઆપ ઊઠે છે. આ “તરંગિણી"ની વાણીનાં કેટલાં કેટલાં વખાણ કરવાં? એ વાણી સાક્ષરોની નહિ-ગામડીઅણ માતાએાની અને બહેનોની છે. ગુજરાતી ભાષા ગરીબ છે, દમ વિનાની છે, એનો શબ્દકોષ કંગાલ છે; એ સર્વ તો સાક્ષરોની ફરિયાદો. "તરંગિણી"ની ભાષા ગુજરાતી છે કે નહિ એ તે સાક્ષરો જાણે. ગમે તે હો. પણ એ ભાષા ગરીબ નથી એવું આ “તરંગિણી” સિદ્ધ કરે છે વાણીનું ઐશ્વર્ય અમાપ લાગે છે. આપણી નવી આડમ્બરી શૈલીમાં શોધ્યા કદી ન જડે એવા શબ્દોમાં, અતિ સુક્ષ્મ ભાવો અહીં વ્યક્ત થયેલા છે. વેણે વેણે મૂર્તિઓ ખડી થાય છે.

“પ્રાસાનુપ્રાસ પૂરો જળવાયો નથી, “ વાતલડી” “ભાભલડી' વગેરે રચના વાપરવામાં બહુ છૂટ લેવાઈ છે.” એવો કલ્પાંત વિદ્વાનો કરવાના, પણ આપણને તો “તરંગિણી" એના પ્રચંડ વહેણમાં એટલી જુક્તિથી ઉઠાવી જાય છે કે એવી ત્રુટીઓ આપણને દેખાતી જ નથી. રસની એ કાંઈ જેવી તેવી જમાવટ ન ગણાય !

અયિ તરંગિણી ! તેં તો આજ ખરે ઉનાળે કૈં કૈં રસ- તરસ્યા પ્રવાસીઓનાં પેટ ઠાર્યાં! ગૃહ-સંસારનાં જળાશયોમાંથી એકે- એક ટીપું સુકાયું: બરાબર તે વેળાએ જ તું દેખાઈ. તારે તીરે બેસી બેસીને કેટકેટલા આજ તને આશિષ દેશે ! જે નિરક્ષર કાઠિયાવાડણો કે ગુજરાતણોના ટેરવા પર મૂકવા એક ટીપું પણ નહોતું; તેની જીભને તે શું પણ અંતરના પડે પડને પલાળવા નું આજે આવી પહેાંચી. અમારા વેરાનમાં તને આદર દઈએ છીએ; કશા શિષ્ટાચાર