પૃષ્ઠ:Rasataragini.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૧


કુમારિકાઓના હૃદયમાં આવા રસ આજથી પુરાય તો પોતાના ભાવિની વિકરાલતા એને ઘણી ઓછી થઈ જાય. આ રાસની સાચી અસર તો હિન્દુ સંસારની સાસુઓ, જેઠાણીઓ, નણંદો, ને પુરુષો ઉપર થશે. પારકીજણી ધરમાં આવે ત્યારે એને યે એક નાનું, પારેવાના માળા જેવું હૃદય હોય છે, ને એ હદયમાં લાગણી હોય છે, એટલું કરૂણ ભાન આ રાસ, સાસરિયાંને કરાવે તેવો છે.

એક વાર આણે આવીને પાછી સાસરીનાં સુખદુઃખમાં સંતાઈ જનારી દીકરી બહુ મૂંઝાય ત્યારે શું કરે ? બેડું લઈને પનઘટ પર પહેાંચે. આડોશી પાડોશીને આંગણે ચડવાની તો એને મનાઈ થઈ હોય. ગામમાંથી કોઈ બહેનપણી બેસવા આવે તો ચાડીખોર નણંદની ચોકી ધડી યે આઘી ન ખસે. પણ પાણી કાંઈ ભરવા જવાની કોઈ ના પાડે ! આઠે પહેર ઘુમટામાં ગુંગળાતી એ બંદિનીનું ઓઢણું નદીકાંઠે તો ઊડીને અંબોડા પર જઈ પડે, એટલું ઉધાડું માથું કયાં કયાં રખાય ? એક પિયરમાં ને બીજું પાણીશેરડે. પાછું જાણે વળવું જ નથી એવી શાંતિથી બાપડી ચોમેર કુદરતનો ખેલ નિરખી રહે, અને આઘે આઘે મીટ માંડતાં એને શું દેખાય ?

“ઓ વાદળથી ટકરાય, મહિયર મારાં રે,

જ્યાં અંતરને ઉકળાટ વસતાં વહાલાં રે.”

પનધટ પર મળનારી મુક્તિ બીજે કયાંયે નથી. વાંચનાર ! આર્યનારીના આપધાત તેં કદી જોયા છે ! અફીણ ઘોળી પીવાના આઠ આના એ કયાંથી કાઢે ? અફીણ લાવી યે કોણ આપે અને ગળે ટૂંપો ખાવા જેટલી એકાંત કયાં ? આજ સુધી કેટલી દુઃખી આરીએાએ નદી અને કૂવાના ખોળા ગોત્યા હશે ! આજ ઘરની ફળીમાં નળની ચકલી ઉધાડીને બાલદી ભરી લેનાર નગર-નારી ! પનઘટનાં ખેાળાનાં મીઠાં મોત તારા ભાગ્યમાં નથી. પનધટનું સ્થાન તો આપણા સંસારના ઈતિહાસમાં અપૂર્વ છે, અતિ મર્મવેધક છે, નદીનાં