પૃષ્ઠ:Rasataragini.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨

નીર અહોરાત હિન્દુ-નારીના વીતકોની જ કથનીઓ ગાતાં ગાતાં વહ્યે જાય છે. વાવ કૂવાના પર પણ એ જ અક્ષરો લખાયા છે.

પરંતુ કવિએ “પનધટ"ને એ કરુણ રસ પૂરેપૂરો નથી ગાયો, માત્ર

“અણતોળ્યા ભવના ભાર મનથી મટશે રે,
અણબૂઝ્યા તનના તાપ ઘેરા ઘટશે રે,
જ્યાં ઉરનાં આપોઆપ કૂલડાં ફૂલે રે,

બે બે ઘડીની મહિયરમાણ્ય પનઘટ પૂરે રે.”

એવો સ્વર જ આપી દીધો છે, બાકી પનધટ પરનો લૂખો આનંદ જ ગાયો છે. જેટલી ખૂબીથી કવિને 'પનધટ' સૂઝી ગયો, તેટલી ખૂબી એ રાસના કલાવિધાનમાં નથી.

'સીમંતનો રાસ રચાય તો હોંશ તો મારી પોતાની જ હતી. 'કુંવરબાઈનું મામેરું' બહુ કરુણ છે, કારણ કે એમાં સત્ય જગતનું realistic ચિત્ર ખડું થાય છે. પરંતુ આ રાસ તે “રાસતરંગિણી”ના સાંગોપાંગ સૌમ્ય રસને જ જાળવી રહ્યો છે; છતાં “રાસતરંગિણી”ના હુલ્લાસના અંતરમાં તે કરુણતા જ દ્વવે છે, 'સીમન્ત'નું સુખમય ગીત ઊંડે ઊંડેથી ઉદાસીન સ્વરો કાઢી ૨હ્યું છે. સીમન્તના પ્રસંગમાં જ એ છલોછલ આનંદની વચ્ચે પણ રડી રહી છે. એ મંગળમાં અમંગળના ઉચાટ છે.

”ધીરે-ધીરે ધારો રે ચરણ સુલેાચના રે લોલ:

મોંઘા ઉર-માણક, ન મચકાય !”

આ પક્તિમાં એ જ ઉચાટનો આઘે આઘેથી આવતો ધ્વનિ સંભળાય છે.

સીમન્તિનીનું કેવું સાચું ચિત્ર માત્ર ચાર જ પંક્તિમાં કવિ આલેખે છે !

“મનડે મધુરાં રે સોહે સુખસોણલાં રે લોલ,
ઝીણી ઝીણી આળસ ઉપજે અંગ;
ઘેનમાં ઘેરાતી રે આંખડી ઉઘાડજો રે લોલ,

જોજો સખિ ! આજ તણો ઉછરંગ."