પૃષ્ઠ:Rasataragini.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૩


અને અકારી વહુ પણ જે ઘડીએ 'વંશવધારણ વેલ' બને, તે ઘડીએ એને સાસુજી ૫ણ કેવા શબ્દોથી લાડ લડાવે ?

“ઓરડેથી આવો રે ગુણિયલ મોરણી રે લોલ,

આવો શીળી વંશવધારણ વેલ.”

રોજ રોજ દિવસમાં દસ દસ વખત પોતાની વહુના પિયરને પીટનારી સાસુ આજ સીમન્તને દહાડે શું ઉચરે છે ?

“પિયરપનોતા રે શીયળસોહામણાં રે લોલ,

અવો શીળી સાસરિયાની સેર."

એથી યે મૃદુ ભાવ તો આ પંક્તિએ નીતરે છે :–

,કુળ વહુવારુ રે આવો તમે આજના રે લોલ્,

આવો એવા કાલ્ય તણાં કંઈ માય.”

આડે દહાડે જરા ધીરી ચાલ્ય ચાલનારી વહુવારુને શા શબ્દો સાંભળવા પડે? “ખાઓ છો તો થાળ ભરીને અને કામ કરતાં પગ કાંઈ ભાંગી જાય છે?" આજ એ જ સાસુના મોંમાં શું હોય ?

"ધીરે ધીરે માંડો રે ચરણ સુલોચના રે લોલ,”

કારણ ? સ્વાર્થ :

“મોંઘા ઉર-માણક ના મચકાય"

અને પછી તો 'નેહની રાખડી' લઈને નણંદ આવે છે, સાથે મોડીઓ ને શ્રીફળ લેતી આવે છે. વાંચનારી બહેન ! એ બન્ને વસ્તુની વિધિના ગર્ભમાં કેવો સંકેત સમાયો છે તેની ખબર તને આજ સુધી હતી ? આજ તારા બોટાદકરભાઈએ એનો કેવો મર્મ ઉઘાડ્યો છે તે જો :

"માથડે ધરાવું રે મણિયમ મોડિયો રે લોલ,
ઝીલો, એવા જનની-ભવના ભાર,
શ્રીફળ સલુણી રે ! ખોળે ધરું ખાંતથી રે લોલ,

દેજો એવા અમને ફાલ રસાળ."

સ્ત્રી હદયને આટલી સુગમ્ય બની શકે તેવી રીતે આ વાત આજસુધી કોઈ અન્ય આધુનિક કવિએ મૂકી છે ખરી ?