પૃષ્ઠ:Rasataragini.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૪

આ રાસ તો "માતૃગુંજન" અને "ભાઈબીજ"ની સાથે આસન લે તેવો રચાઈ ગયો. સ્ત્રીના ભાવો અને ભાષા બન્નેનો આવો મીઠો સુયોગ સાધનાર બોટાદકર જાણે કે સાત સાત સ્ત્રી જન્મો પૂરા કરીને પહેલવહેલા જ પુરુષ-અવતારમાં ચાલ્યા આવતા હોય ને !

'સીમન્ત' પછી શું હોય ? 'વાત્સલ્ય '!

આખા જગત ઉપરની મમતા સંકલાઈ જઈને એક જ જીવ ઉપર ઢળી પડે. અને એ ભાવનું જોર બતાવવા માટે કવિએ પણ "રાસતરંગિણી"ના વાતાવરણને અનુકૂળ બને તેવો પ્રસંગ ગોત્યો છે. અજવાળી રાતનો રાસ બરાબર જામ્યો છે.

આખી સૃષ્ટિ એ રાસડો સાંભળતી સાંભળતી થંભી છે. ભાન ભુલાયાં છે. એમાં તાલ તૂટ્યો. એક જણી ભાગી. સહુ ચોંક્યાં. રંગ વીંખાયો. શા માટે ? સાસુએ બોલાવી ? ના ! રમતાં રીસ ચડી ? ના ! ફુદડી ફરતાં ફેર ચડયા ? ના ! ત્યારે ?

“ પોઢ્યા પારણે રે, આવ્યા બાળકુંવર રે યાદ ”

બસ ! આટલી નાદાની ? વાત્સલ્ય એટલે જ નાદાની.

એક વરસની અંદર કવિએ લેાક-હૃદકમાં પેસવાનો માર્ગ ઠીક પહોળો કરી લીધો છે. નારીના હૈયાની ખૂબ નજીકમાં જવાયું છે. "રાસતરંગિણી"નાં બિલોરી પાણીમાં ચારે તરંગોનો ખળકો જરાય ડોળાણ ઉપજાવ્યા વિના નવાં નિર્મળાં નીરને ઉમેરો કરે છે.


“સૌરાષ્ટ્ર” કાર્યાલય,
રાણપુર
આષાઢ શુદ બીજ
સન ૧૯૨૫
}
ઝવેરચંદ મેઘાણી