પૃષ્ઠ:Rasataragini.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૬
<poem>

ગોરી ! ધીરે તમે ચાલજો રે મારું ફૂલ ન ફરકે, ઊડી જશે પળ એકમાં રે એનું કાળજું ધડકે.

સાસરવાટ શિલા ભરી રે એને છેક અજાણી, કયાંય શીળી નથી છાંયડી રે નથી પન્થમાં પાણી; લાજભરી મારી લાડકી રે એને મોઢડે તાળાં, કેાણ પળે પળ પૂછશે રે દુઃખ જોઈ દયાળાં.

આજ તપે ક્યમ આવડો રે કે'ને સૂરજ શાણા ? ખાલી ઉરે ખમશે નહિ રે તીણા નહોર એ તારા; આગ ભલે મુજ અંતરે રે વરસાવજે વીરા ! જાઈનો પન્થ તો જાળવી રે રથ ખેડજે રૂડા.

ઊડતી વાટે વસુમતી ! રે તારી રોકજે રેણુ, કમળ કળી થકી કોમળું રે બહેની ! અંગ છે એનું; ઊંચા નીચા તારા અંગને રે સખિ ! દેને શમાવી, જાત કઠણ, એને જોઈને રે ઘડી કરજે સુંવાળી.

વન-વન વીંઝાતા વાયરા રે એને સાચવી વાજો, વીર સમા એ વળાવિયા રે ! વાટે ઠાવકા થાજો; ઘામ વળે એને ઘુમટે રે ઝીણા વીંઝણા દેજો, પાલવડાને પલાળતાં રે લૂછી આંસુડાં લેજો.

વહાલભરી વનદેવીઓ રે ! ઊંડા આદર દેજો, જતન કરી એના જીવનું રે મીઠાં મીઠડાં લેજો; ઝૂકી રહ્યાં પંથ ઝાડવાં રે દેજો સોરમ છાયા, એક ઘડી એને કારણે રે મન રાખજો માયા.