પૃષ્ઠ:Rasataragini.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૭

વાટનાં વીર વિહંગડાં રે ! એની સાબતે રે'જો,
ગીત નવાં-નવાં ગાઈ ને રે ઊંડી ધીરજ દેજો;
હૈયાંસૂની હબકી જતી રે એને રાખજો રાજી,
મેં તો ત્યજી હવે હાથથી રે હતી જાળવી ઝાઝી.

દીકરી વ્યોમની વાદળી રે દેવલોકની દેવી,
જેઈ—ન જોઈ વહી જતી રે વનપંખણી જેવી;
આજ માડી તણે આંગણે રે રૂડા રાસડા લેતી,
કાલ્ય અગોચર ભોમમાં રે ડગ ધ્રૂજતાં દેતી.

સાયર સાચલ સાસરું રે એનાં નીર તો ઊંડાં,
દોડી-દોડી કરે ડોકિયાં રે મહિં જળચર ભૂંડાં;
મીઠા તળાવની માછલી રે પાણી એ કયમ પીશે ?
ઘેરા એના ધુધવાટથી રે મારી બાળકી બીશે.

જાય અહો ! વહી વેલડી રે વીલી માત વિમાસે,
સૂનું થયું જગ સામટું રે ભૂમિ ડોલતી ભાસે;
ઊનો અનિલ આ એકલો રે વહે ધ્રૂસકાં ધીરે,
હાય ! હણાયલી માતને રે ચડી અંતર ચીરે.


સુન્દરી શીળે ભરી રે

[સ્નેહધામ સૂનાં સૂનાં રે- ઢાળ ]

શીળાં સરોવર ઝીલવાં
સખિ ! શીળો મનેાહર મેઘ રે,
સુન્દરી શીળે ભરી રે.