પૃષ્ઠ:Rasataragini.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૯


શીળી પ્રીતમની પ્રીતડી,
એવા શીળા પ્રભુજીના પન્થ રે. સુન્દરી૦

શીળી વામા વિનયે ભરી,
એની શીળી લાખેણી લાજ રે. સુન્દરી૦

શીળી શિયળ કેરી છાંયડી,
સખિ ! શીળાં રમણનાં રાજ રે.

સુન્દરી શીળે ભરી રે.



સન્દેશ
(સ્નેહધામ સૂનાં સૂનાં રે - ઢાળ)


ઊંચાં આકાશનાં આંગણાં,
સખિ ! નીચા તે મેઘલ મહેલ રે.
આંખડી આંસુભરી રે.

ઊંચે ચન્દા ચળકી રહી,
કાંઈ નીચાં ઢળે એનાં નેણ રે. આંખડી૦

ઊંચે ઉરે હું એકલી,
વહે નીચાં નેણાંનાં નીર રે. આંખડી૦

ભીંજે હૈયાનો હીરલો,
મારાં ભીંજાય નવરંગ ચીર રે. આંખડીο

ચન્દા ! ચટકતી ચાલતાં,
જરી સુણજે વિજોગની વાત રે. આંખડીο