પૃષ્ઠ:Rasataragini.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


<poem>આણાં

(હો રંગરસિયા ! ક્યાં રમી આવ્યા રાસ જો - એ ઢાળ)

આવી-આવી વગડા વીંધી વેલ્ય જો, ઘૂઘરીએ ઘમઘમતા આવ્યા ઘોડલા; આજ ફલી અંતરની એકલ આશ જો, મીઠડલી માવડીએ આણાં મોકલ્યાં.

મેં જાણ્યું જે ભૂલી મુજને માત જો, બાપુને અંતરથી છૂટી બેટડી; ભાભલડીના ઉરનો ભાળી ભાવ જો; બાન્ધવડે વિસારી એની બહેનડી.

શેરડીએ વીરાનો શીળો સાદ જો, શીળા એને ઉર શોભે સન્દેશડા; મીઠાં-મીઠાં મહિયર કેરાં માન જો, મહિયરના મારગડા મનને મીઠડા.

સાસુજી ! આપોને અમને શીઝ જો, ભાવભર્યાં એ ભાંડરડાને ભેટવા; જોશું જોશું વહાલેરી વનવાટ જો, જોશું રે ! મહિયરનાં જૂના ઝાડવાં.

જોશું-જોશું દાદાનો દરબાર જો, કાળજડે રમતા એ ગઢના કાંગરા; વીરાજી રઢિયાળા રણવાસ જો, ખેલણમાં ખૂંદેલા એનાં આંગણાં.