પૃષ્ઠ:Rasataragini.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૩
<poem>

કેવાં સાસુ, કેવાં નણંદ-જેઠાણી રે? કેવી પાડોશણ ને પિતરાણી રે?

લોક નવા, નવી ધરતી અજાણી રે, ક્યમ કરી બહેનડી ! પ્રીત બંધાણી રે? ત્યાં નહિ દાદા ને ત્યાં નહિ માડી રે, ત્યાં નહિ એકે સહિયર સમાણી રે.

ત્યાં નહિ ભીનલા ભાઈ-ભોજાઈ રે, નાની-મોટી નહિ માડીની જાઇ રે; કોણ આંખલડીનાં આંસુંડાં લો'તું રે? કોણ લળી-લળી મોઢડાં જોતું રે?

વીતક વાતડી ક્યાં જઈ કરતાં રે? દાઝ્યાં દિલ સખિ ! ક્યાં જઈ ઠરતાં રે? શે મિયે વીસર્યાં મહિયર મીઠાં રે? દીઠલાં કેમ કર્યાં અણદીઠાં રે?

દાદાએ દીધીને માડીએ માની રે! એ સુખ સોહ્યલી સાસરી શાણી રે! માડી સમાં ત્યાં તો સાસુ સલુણાં રે, આપે-આપે તોયે થાય નઊણાં રે.

'વહુ' કેરે વેણલે સાદ સૂકાતા રે, ઉરભરી અમૃત પળ-પળ પાતાં રે, જોડ જેઠાણીની માજણી જેવી રે, ઓછી-ઓછી થતી નણદલ એવી રે.