પૃષ્ઠ:Rasataragini.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૫

એ તો ભમરો ઊડે અમ આંગણે,
કાંઈ ગુંજન ઝીણલાં ગાય રે, દેરીડો૦
મને 'ભાભી' ના બોલે બેલાવતાં;
કેવાં ભીનાં વદન ભરાય રે ! દેરીડો૦

હું તો વીરવિજોગણ ઝૂરતી,
ઉર વહાલ રહ્યું ઉભરાઈ રે; દેરીડો૦
એ તો દિયર તણે દિલ રેડતાં,
મારા હૈયામાં હરખ ન માય રે ! દેરીડો૦

એને નાનીશી લાકડી લાવશું,
એના કુમળા પૂરશું કોડ રે; દેરીડો૦
જળ ભરવા જશું અમે સંગમાં,
જગ રીઝશે જોઈન જોડ રે. દેરીડો૦

અણખીલી એની ઉરપાંખડી,
અમે ખીલવશું દઈ ખાત રે. દેરીડો૦
ભવ૫ન્થ બતાવશું ભાવથી,
રાખી અાંગળીએ દિનરાત રે. દેરીડો૦


સાસુ
( મારી માને કે'જો તે આણાં મોકલે-એ ઢાળ )

વહે ગંગા મારે ઘરાઅંગણે રે,
એનાં પાછાં ઊછળતાં નીર;
સખિ ! સાસુતણાં સુખ શાં કહું રે !

રમે સુરજ ને સોમ એના અંકમાં રે,
દેવતરુઓ ઉભાં એને તીર. સખિ ! સાસુ૦