પૃષ્ઠ:Rasataragini.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૧


પાછો વળ્યો હશે પન્થથી રે રખે ભાઈ એ ભીરૂ,
સિંહ તણા સ્વર સાંભળી રે હસે ઉર ઉતાર્યું;
શીતળ કાં વડછાંયડે રે એને નીંદર આવી,
નેહભર્યા કંઈ સોણલે રે રોકી રાખશે રીઝાવી.

શકુન હશે નહિ સાંપડ્યા રે એને આજ ઉમંગી,
ઘેરી રહ્યા ઘર ગેઠિયા રે સુખદુઃખના સંગી;
ભૂલી ગયો ઉરભાવમાં રે કાં તો આવતાં કેડો,
બહેનવિજોગનો બંધવો રે ઘડી એકમાં પેલો.

માંદી પડી કાં તે માવડી રે એની જાઈને ઝાંખી,
વસમી વિજોગની વેદના રે શકે કપાં લગી સાંખી;
હૈયું રાખ્યું હશે હાકલી રે દઈ કૈંક દિલાસા,
તૂટી પડયું હશે તાપથી રે ત્યજી આખરે આશા.

ભાભીએ કાં હશે ભેળવ્યો રે કંઈ દોષ દેખાડી,
રેાકી રાખ્યો રસ પાઈને કે મન મોહ પમાડી;
બાઝી પડયાં હશે બાલુડાં રે કાલુ બોલતાં કોટે,
એ સુખસ્વાદ સુધાભર્યો રે કયમ છોડતાં છૂટે !

ભાભલડી ! તુજ ભાવની રે ભલી વાધજો ભરતી,
વહાલસોયા મારા વીરના રે રે'જે હૈયાને હરતી;
અમર એવાતન ઊજળું રે રહો જીવતી જોડી,
રાજ તપો રળિયામણું રે મારી અાંખડી ટાઢી.

તારો પતિ, મારો બન્ધવો રે એવા ભેદ અનેરા;
ભાગ નથી કાંઈ ભાવમાં રે પંથ નેહના ન્યારા;