પૃષ્ઠ:Rasataragini.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૦

દિલડાનાં આદર તો જગમાં દોહ્યલા,
એ સુખડાના જ્યાં છલકાય સુકાળ જો;
વિખસાગરમાં અમૃતની કૈં વીરડી,
અમર રહો એ મધઝરતું મોસાળ જો.
મહિયરથી મોંધાં રે મહિયર માતનાં.


મધમાખ
( નહિ આપું હે નંદજીના લાલ રે ! મહિડાં મારાં --એ વન)

અલી ! ઊભી રહે મધમાખ રે ! મનડાની મીઠી રે,
તારી જાદુભરેલી જરૂર રે દેહડી દીઠી રે.

તને વહાલી પૂછું એક વાત રે સાંભળી લેજે રે,
તારા ભાવ તણો કૈં ભેદ રે કાનમાં કે'જે રે.

મેં તો જોયાં-જોયાં બહુ ઝાડ રે ડાળીઓ દેખી રે,
વનવેલીતણાં ફળ-ફૂલ રે પાંખડી પેખી રે,

નહિ લાધ્યાં મને તો લગાર રે મધડાં મધુરાં રે,
એનાં દિલ તણાં રસદ્વાર રે ઊધડે અધુરાં રે.

એવી અાંજી કોણે તુજ અાંખ રે સ્નેહની સળીએ રે?
તું તો મધનો નિહાળે મેહ રે ફુલડાંને ફળીએ રે.

મારા કરમાં રહી કરમાય રે ફુલ કૈંક ફોરી રે,
નહિ બોલે ઊંડેરા બોલ રે જીવન જોડી રે.