પૃષ્ઠ:Rasataragini.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૩

વળે માયાનાં બાળ મોળાં માનવી રે લોલ,
એની શી શીખ ઉરે આણવી રે લોલ ?

રવિરથડા તે વાટ જતા નહિ મળે રે લોલ,
ચન્દાની ચાલ કદી નહિ વળે રે લોલ;
એવો વહાલપનો વેગ પાછો નહિ વળે રે લોલ,
માગ્યું મળે કે ભલે ના મળે રે લોલ.

કેાઈ કહેશે: “એ ખારભર્યો ખીજતો રે લોલ,
“ઊંડો ને અંતરે અધૂકડો રે લોલ;”
જૂઠા જગની તે જૂઠ લવે જીભડી રે લોલ,
એની ન આંખ હજી ઊઘડી રે લોલ.

ખારા-મીઠાનો ભેદ એને ખૂંચતો રે લોલ,
સ્વારથમાં સાર નથી સુઝતો રે લોલ;
એને ઊંડા અંદેશાભર્યા અંતરે રે લોલ,
કુડી એ કલ્પના કર્યા કરે રે લોલ.

એવો જગનો ખારો તે મારો મીઠડો રે લોલ,
કપટી જાણે શું એનો કોયડો રે લોલ;
ઘેલી દુનિયા તો દોષ રહી દેખતી રે લોલ;
ઉરના એ રંગને ઉવેખતી રે લોલ.

ભોળા હૈયાને એ હશે ભમાવતી રે લોલ,
વહેમીના વહાલ હશે વિંખતી રે લોલ;
મારું હૈયું હજીય મારા હાથમાં રે લોલ,
રહેતાં એ સ્વારથીના હાથમાં રે લોલ.