પૃષ્ઠ:Rasataragini.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૮


અંતરની પણ આપદા એ તો એવી ને એવી,
વીતકની ઉરવાતડી કોની આગળ કહેવી ?

ડોલે ઘણા ઘરદીવડા સુખસોણલાં જેવા,
ઊગી-ઊગી જતા આથમી દુઃખ આખર દેવા;
શેાકમાં શોક વધારતી ઘર વાદળી ઘેરી,
એક જતાં જગ સામટું વસતું બની વેરી.

વા તણા પણ વિંજણા નહિ તાપ નિવારે,
વ્યોમ નદી કેરાં વારિ એ ધડીએ નહિ ઠારે;
ક્યાંય ઉજાસ ન આભમાં જીવડો ક્યમ જંપે ?
ભાનુ તણા ભણકારથી કુણાં કાળજાં કંપે.


વાદળી

(શીખ સાસુજી દે છે રે, વહુજી રહો ઢંગે –એ ઢાળ.)

ઊંચા આભને અંકે રે, વસુ હું તો વાદળડી,
કૈક ભાવથી ભીની રે ઝીણી મારી જાતલડી;
મારો કન્થ કોડીલો રે મનોહર મેહુલિયો,
રસગાનને ગાતો રે નેહે ભર્યો નાવલિયો.

ઉર એક અમારાં રે, ન્યારા તન તેમ નહિ,
એમાં હું ને એ મુજમાં રે એવી રસરીત રહી;
મારું પિયર પનોતું રે સોહે સખિ! સાગરમાં,
એનાં નીર નવેલાં રે ભર્યાં મુજ અંતરમાં.