પૃષ્ઠ:Rasbindu.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

થઈ કે તેમની કહ્યાગરી પત્ની કશી અડચણ પછીથી નાખશે નહિ , અને તેમની વ્યવસ્થામાં કશો ફેરફાર કરવાની જરૂર રહેશે નહિ.

ઘર બાંધવાનું કામ શરૂ થઈ ગયું. જરેજરની વિગત કૉન્ટ્રાક્ટરે સમજી લીધી અને એક માળ પૂરો થવા આવ્યો. હું એક દિવસ તેમને ઘેર જઈ ચઢયો અને જોયું તો જયંતકુમાર મકાનનો નકશો લઈ ગુસ્સામાં બેઠા હતા.

‘કેમ જયંતભાઈ, આજે કાંઈ નિયમભંગ થયો શું?’ મેં પૂછ્યું. ઠરેલા નિયમ પ્રમાણે જ્યાં સુધી કાર્ય થાય ત્યાં સુધી મારા મિત્ર અત્યંત આનંદમાં રહેતા. આજે મને લાગ્યું કે કરેલા કામમાં કોઈ વિઘ્ન આવ્યું છે.

‘ચાલ, તું આવ્યો એ ઠીક થયું. તું જાણે જ છે કે આ ઘરની કેટલી ચર્ચા કર્યા પછી આપણે કામ શરૂ કર્યું હતું !’ તેમણે કહ્યું.

‘બરાબર છે. તમારો આગ્રહ જ હતો પછી કશો ફેરફાર ન થાય. કૉન્ટ્રાકટર બરાબર નકશા પ્રમાણે નથી કરતો ?’ મેં પૂછ્યું.

‘કૉન્ટ્રાકટરનો સવાલ જ નથી.’

‘તો પછી?’

‘ઘરમાં જ ઝઘડો ઊભો થયો છે.’ જયંતકુમારે કહ્યું. અને એટલામાં જ જ્યોત્સ્નાગૌરી આવ્યાં. તેમણે હસીને કહ્યું :

‘મારા ઘરમાં ઝઘડો હોઈ શકે નહિ.’

‘ઝઘડો નહિ તો બીજું શું ? હવે તમે ફેરફાર કરવા માગો એ કેમ બને?’ જયંતકુમારે કહ્યું.

‘હું કહેતી જ નથી કે તમે ફેરફાર કરો. હું તો ફક્ત સૂચના કરું છું !’ જ્યોત્સ્નાગૌરીએ કહ્યું. તેમના મુખ ઉપરથી સ્મિતની છાપ કદી ખસતી નહિ.

‘હવે આટલું કામ થયા પછી સૂચના? ભીંત પાડીશું એટલે ખર્ચના અંદાજમાં પાંચસો રૂપિયા વધી જશે...અને નકશા પ્રમાણે કામ