પૃષ્ઠ:Rasbindu.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





એક જુલ્મકથા


જોરજુલ્મની વાત ? વાત નહિ, વાર્તા નહિ, કથા નહિ; હું બનતી બીના સંભળાવું. આજ પણ એ બને છે.

ગામને છેવાડે અમને રાખવામાં આવે. આખા ગામનો કચરો અમારા રહેઠાણની બાજુએ નાખવાનો. કામડાંમાંથી, માટીમાંથી કે વખતે કચરામાં ફેંકેલા ટીનના ડબ્બાઓના પતરાંમાંથી અમારાં મકાનો બને. ટાઢમાં અમે થરથરીએ, વરસાદમાં ભીંજાઈએ, તાપમાં સીઝી જઈએ. છતાં અમારાથી બીજે રહેવા જવાય જ નહિ. અમને સારા કહેવાતા લત્તામાં રહેવા કોઈ ઘર તો ન જ આપે, પરંતુ અમને કોઈ ઓટલે કે આંગણે પણ પડી રહેવા ન દે. અમારા નક્કી કરી મૂકેલા વાડામાંથી અમે બહાર જઈ શકીએ જ નહિ. આખા ગામનું પાણી ત્યાં વહી આવે અને ગંદકીભર્યું તલાવડું પણ ત્યાં ભરાય. એની આસપાસ અમારે રહેવાનું.

તમે કહેશો કે આ તો અનારોગ્યનું ધામ ! અમે વળી આરોગ્યને ક્યાં ઓળખીએ છીએ ? અસ્વચ્છ કાર્યો સાથે જ અમારે જીવનભરનો સંબંધ. અમારે જ ગામની ગંદકી સાફ કરવાની, મરેલાં ઢોર ખેંચવાનાં. ઢોરનાં ચામડાં પકવવાનાં અને ખાડા ખોદી શાળ ચલાવવાની. અમારા સિવાય બીજું કોઈ એ કામ કરે જ નહિ. લોકો જન્મસિધ્ધ હક્કની વાત કહે છે; હિંદુઓ સ્વરાજ્યને પોતાનો જન્મસિધ્ધ હક્ક કહે છે. અમારો જન્મસિદ્ધ હક્ક અસ્વચ્છ અને અનારોગ્ય ધંધાઓમાં જીવનભર રોકવાનો !

અમને ન નાવાનું પૂરું પાણી મળે, ન પીવાનું. ગામમાં