પૃષ્ઠ:Rasbindu.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એક જુલ્મકથા : ૯૯
 

અમને થતો નથી.

અમે બરાબર મહેનત નહિ કરતા હોઈએ એમ તમે ધારો છો ? દેહ ઘસાઈ જતાં સુધી અમે મજૂરી કરીએ છીએ એની હું તમને સોગન ઉપર ખાતરી આપું છું. અમારું ઘણું આરોગ્ય અમારી મહેનતને જ લીધે સચવાય છે. પણ દેહ એ મહેનત ક્યાં સુધી વેઠે ? કુદરત ત્રીસ પાંત્રીસ વર્ષ સુધી યારી આપે; પછી તો શ્રમજીવન એકદમ અમને વૃદ્ધ બનાવી દે છે. અમારાં ચાળીસ વર્ષનાં માનવી સુખી વર્ગનાં સિત્તેર વર્ષનાં માનવી જેવાં લાગે છે – એથી યે ખરાબ.

અક્કલવાળી મહેનત અમારે કરવી એવી સહુની સલાહ મળે છે. પરંતુ એ અક્કલ અમારે લાવથી ક્યાંથી ? અમે અમારા જથામાં જ પુરાઈ રહીએ. બહાર નીકળીએ ત્યારે ગાળો ખાવા કે ગાળો ખાઈ ગાળો દેનારની મજૂરી કરવા. અક્કલવાળાં સ્ત્રીપુરુષો અમને જોઈ હસે, તિરસ્કાર કરે, અને પોતાની અનિષ્ટમાં અનિષ્ટ બાજુ જ અમને બતાવે. ભાવ ઊપજે એવું વર્તન અમે કોઈનું યે દેખીએ નહિ. ભાવ વગર અમને અક્કલ કોણ આપે ? અને આપે તો એ અક્કલ કેટલી પહોંચે ?

ભણીએ ગણીએ તો સારું ખરું. પણ અમને ભણાવે કોણ ? અમને કોઈ શાળામાં પ્રવેશ ન મળે. પ્રવેશ મહા દુઃખે પામીએ તો આખા ગામના નિશાળિયા પડતાલ ઉપર જાય અને શિક્ષકો શાળા બંધ કરીને બેસે. આગ્રહ કરીએ તો અમારા અધિકાર બહાર જઈએ છીએ એમ કહી આખું ગામ અમારા ઉપર તૂટી પડે, અમને માર મારે, દીવોદેવતા બંધ કરે – અમારો આખો વ્યવહાર બંધ કરે. ન છૂટકે અમને શાળામાં આવવા દે તો પણ અમારે બેસવાનું જુદું – બીજા કોઈને અડાય નહિ એવી ઢબનું - ધૂળમાં બેસવાનું, આ ડાઘ સાથે, આ સામેનાની ઉપરવટ થઈને અમારાથી શી રીતે ભણાય ? અને કદાચ ભણાયું તો અમારામાં સહુને માટે કેવું વેર જાગે તે જાણો છો ?