પૃષ્ઠ:Rasbindu.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એક જુલ્મકથા : ૧૦૩
 

મૂકી જુઓ ને ? અમારા દુર્ગુણ - અમારાં પાપ બહુ મોટા તો નહિ જ હોય.

અને વ્યસન ?

અમને અણમાનીતા ઠરાવ્યા. અમને કોઈ અડે નહિ. સમાજની સ્વચ્છ દેખાતી બાજુએથી અમને હાંકી કાઢવામાં આવે. સામાજિક રંજનમાં અમારો ભાગ નહિ, અમારું અપમાન, અમારું એકાન્ત, અમારા ઉપર ગુજુરાત ગજજુલ્મો, એ બધું ઢાંકવાકેભૂલવા કોડિયામાં લઈ દારૂ પી પડીએ એમાં ય તમે અમને અપરાધી ઠરાવશો ? અમે બીજું કરીએ પણ શું ?

ચા, શરબત કે દૂધની સગવડ અમારે માટે કોઈ કરે એમ છે ? એ થાય તે દિવસે કહેજો; અમે દારૂ છોડી દઈશું.

અને... જેમને એ બધી સગવડ મળે છે તેમને પણ દારૂનું વ્યસન ક્યાં નથી હોતું ? એમને અમારા ભેગા મોકલવાની હિંમત કેમ કોઈ કરતું નથી ?

અમારી સેવાને ભૂલી જાઓ. સમાજમાં અમે કાંઈ ઉપયોગી કાર્ય કરીએ છીએ એ વાત ભલે ન માનશો. પણ અમે માણસ છીએ એનો કાંઈ વિચાર કરશો ? અમારા પ્રત્યે માણસાઈભર્યું વર્તન પણ નહિ રહે ?

આવું અમાનુષી વર્તન થાય જ નહિ એમ તમે કહો છો ? સાંભળો, હું ફરી કહી જાઉં.

અમને સમાજ અડકતો નથી - દુષ્ટ, રોગિષ્ટ કે ગુનેગાર ન હોવા છતાં ! અમારો નિવાસ ઉજળી વસ્તીથી દૂર-સમાજને ઉજળો રાખવા અમે મથીએ છત્તાં !

અમને કોઈ પાણી ન પાય.

અમને કોઈ ખાવાનું ન આપે.

અમને કોઈ આંગણે પણ ઊભા ન રહેવા દે; ઘરમાં તો પેસવાની વાત જ શી ?

કોઈ શાળા કે પુસ્તકશાળામાં અમારાથી પગ પણ ન મુકાય.