પૃષ્ઠ:Rasbindu.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગાંડી : ૧૦૭
 


‘ના રે; ચોર પકડાયો છે.’

‘શી વાત કરો છો જાણ્યા વગર ? એ તો એક બૈરી નાચતી હતી.’

‘ધણીનાં ઘરેણાં ઊંચકી જતી હશે !’

‘અં હં, એને વાગ્યું લાગે છે.’

‘જુઓ ને, ભોંય ઉપર પડી તે !’

આમ જુદા જુદા ઉકેલ પામતો હું ટોળામાં ઘૂસી ગયો અને જોયું તો એક સ્ત્રી ખરેખર જમીન ઉપર પડી હતી. તેના માથામાંથી સહજ લોહી પણ ટપકતું હતું. તેની આંખો મીંચેલી હતી, અને તેને આવડા મોટાં ટોળાંનું ભાન હોય એમ લાગતું ન હતું.

દવાખાનું પાસે જ હતું. સતત રૂપાળી દેખાવા મથતી નર્સો, અને ખિસ્સાનું વારંવાર વજન તપાસતા કે કંટાળો આવતાં હસમુખી સ્ત્રીદર્દીઓ કે ચબરાક નર્સોનો વિચાર કરતા ડૉક્ટરોની સારી સંખ્યા પાસેના જ મકાનમાં હાજર હતી. પરંતુ દરવાજા બહાર પડેલી એક બેભાન સ્ત્રીની સારવાર માટે કોઈને પણ ફુરસદ મળે એમ ન હતું. વધારાનું મહેનતાણું મળ્યા વગર આજના શરમાળ ડૉક્ટરોથી સારવારના હુમલા થઈ શકે નહિ; જૂનાં હિંદુ બૈરાની, વગર બોલાવ્યે ખબર પૂછવા જઈ સારવાર કરવાની એવી જૂની ઢબ નવા ડૉક્ટરોને ન જ ફાવે.

ટોળાંને પણ તમાશા સિવાય કશો જ રસ આ સ્ત્રી પ્રત્યે ન હતો. એને પાણી છાંટવાની, એને ઉપાડી દવાખાને લઈ જવાની, એની પ્રાથમિક સારવાર કરવાની, અરે જરા એની આસપાસની ગિરદી ઓછી કરી એને હવા મળે એમ વ્યવસ્થા કરવાની પણ કોઈને જરૂર લાગતી ન હતી. ટોળામાં વિદ્યાર્થીઓ હતા, ગુંડાઓ હતા, ગૃહસ્થો હતા, કશામાં ય ગણતરી ન થાય એવા સામાન્યતાની છાપવાળા પુરુષો પણ હતા. પરંતુ ગુજરાતની હવામાં અજાણી બેભાન સ્ત્રીને દવાખાને લઈ જવાની જવાબદારી ભાગ્યે કોઈ લે.

સિદ્ધાંતની દૃષ્ટિએ નિબંધ લખવામાં કે વ્યાખ્યાન આપતી વખતે