પૃષ્ઠ:Rasbindu.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦ : રસબિન્દુ
 

આપ્યો અને કહ્યું : ‘લે, જરા માથા ઉપર દબાવી રાખ; હમણાં લોહી બંધ થઈ જશે.’

અને પેલી બાઈની આંખમાંથી બોરબોર જેવડાં આંસુ સરી પડ્યાં. મારું હૃદય પણ ભરાઈ આવ્યું.

માનવક્રૂરતાને આંકો નથી. બાળકોનું હાસ્ય મેં સાંભળ્યું અને થોડા કાંકરા પણ મારા તરફ ફેંકાતા મેં જોયા. બે યુવકો હસતાં હસતાં બાળકોને ઉશ્કેરી રહ્યા હતા અને મારો તેમને લાગેલો ભય નિર્મૂળ કરતા હતા.

મારા ગુસ્સાનો પાર રહ્યો નહિ. એ બંને યુવકોને તથા ભેગાં થયેલાં બાળકોને પકડી પીંખી નાખવાનું મને મન થયું. મેં કડક આંખ કરી સહુની સામે જોયું અને ધસવાનો નિશ્ચય કર્યો. એના જવાબમાં આખું ટોળું ખડખડ હસી રહ્યું. મેં નીચે પડેલો એક પથ્થર ઉપાડ્યો, અને એની અસરમાં બાળકો તો ભાગ્યાં, પણ મને ય ભય લાગ્યો કે રખે ને હું પણ જોતજોતામાં કાંકરા અને પથરા ફેંકતો કોઈ ગાંડો માનવી બની જાઉં ! સામાજિક–સામુદાયિક ક્રૂરતા માનવીને જોતજોતામાં ઘેલો બનાવી શકે એમ છે. મને લાગ્યું કે આ જ ઢબે સમાજના બિનજવાબદાર ટોળાંએ પેલી બાઈનું માનસ અસ્થિર બનાવી દીધું હશે.

મારી માનની સમતુલા ખોવાય નહિ એ માટે મેં તરત જ પથરો નીચે નાખી દીધો, અને પેલી બાઈ પ્રત્યેની સહાનુભૂતિમાંથી ઊપજતી ફજેતીથી બચવા મેં ત્યાંથી ચાલવા માંડ્યું.

પેલા બે યુવકોમાંથી એકે મને પૂછ્યું : ‘તમે બાઈને ઓળખો છો ?’

‘ના.’ મેં ઘુરકીને કહ્યું.

‘તમે વચ્ચે પડ્યા એટલે એમને એવું લાગ્યું.’

‘તમને શરમ નથી આવતી કે આવી નિરાધાર બાઈને તમે ભેગાં મળી હેરાન કરો છો ?’ મેં કહ્યું.

‘પણ એ તો ગાંડી છે !’