પૃષ્ઠ:Rasbindu.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨ : રસબિન્દુ
 

મારવા માંડે તો એને રોકનાર માનસિક માનસિક સ્થિરતા એનામાં તો નહિ જ હોય.

આવા માનસનો – આવી વ્યક્તિનો ઇલાજ શો હોઈ શકે ? માનસ અથિરતાની સારવાર કરતાં દવાખાનામાં એને…

એક મોટરકાર ઝડપથી પસાર થઈ અને પેલી બાઈએ એકાએક જુસ્સાથી એક પથ્થર કાર તરફ ફેંક્યો.

કારને એ પથ્થર વાગ્યો નહીં. પરંતુ પાન બનાવતા દુકાનદારે મને કહ્યું : ‘જોયું ?’

‘પણ આમ પથરો ફેંકવાનું કોઈ કારણ ?’ મેં પૂછ્યું.

‘ખસેલા મગજને કારણ શું ?’

હું પણ વિચારમાં પડ્યો. છોકરાઓ આ ઘેલી બાઈને ચીડવે એનો બચાવ તો થઈ શકે જ નહિ, છતાં માનસિક તુલા ગુમાવી બેઠેલી આ બાઈનો અકારણ ઉપદ્રવ પણ બચાવવાને પાત્ર કેમ ગણાય ?

એક બીજી મોટરકાર ત્યાંથી પસાર થઈ અને પેલી બાઈએ પાછો પથરો ફેંક્યો. જરામાં એ પથરો કારને વાગતો રહી ગયો !

પરંતુ હવે એ બાઈ જાણે તાકીને બેઠી હોય એમ લાગ્યું. ગરીબ ગણાતા હિંદનાં શહેરોમાં કાર વાપરી શકતા સુખવાસી માનવોની સંખ્યા તો વધતી જ જાય છે. એટલે ત્રીજી કાર આવતાં બહુ વાર ન લાગી, અને એ ત્યાંથી પસાર થાય એટલામાં તે એક કડાકો થયો, કાચ તૂટતો રહી ગયો અને કાર ઊભી રહી.

કારને ચલાવનાર તથા પાછલી બેઠકમાં આરામથી બેઠેલાં સ્ત્રી-પુરુષે બારી બહાર નજર નાખી અને તુચ્છ, પગે ચાલતી દુનિયાની પામરતાએ કશો ભારે અપરાધ કર્યો હોય એ ભાવથી ગુનેગારને શોધવા માંડ્યો. બપોરના સમયે આસપાસ માણસો થોડાં હતાં એટલે ગુનેગાર જડી આવે એમ હતું. ઓછી ગિરદીનો લાભ લઈ જરા આરામ લેતો પોલીસનો સિપાઈ કંટાળીને આસપાસ જોવા લાગ્યો. એવામાં કાર ઉપર બીજો પથ્થર પડ્યો અને તે પેલી ઘેલી બાઈએ નાખ્યો એમ કારમાં બેસનારને દેખાયું પણ ખરું.