પૃષ્ઠ:Rasbindu.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

રસ્તામાં મેં જ્યોત્સ્નાગૌરીના મત પ્રમાણે ફેરફાર થવા દેવા સહજ સૂચન કર્યું એટલે જયંતકુમાર બોલી ઊઠ્યા :

‘તને મત બાંધતાં જ ક્યાં આવડે છે ? અત્યારથી તું પક્ષપાતી બની ગયો.’

‘એમ નહિ...’ મેં કહ્યું.

‘તારો એક જ મત : સ્ત્રીઓમાં માનીતા બની જવું ! +[૧]Back- bone જ નહિ !’ મારે માટે જયંતકુમારે અભિપ્રાય આપી દીધો.

મેં ફરીને આખું ઘર બનતું જોયું. પ્રથમથી જ ચોકસાઈ કરી મૂકેલા જયંતકુમારના મકાનમાં મને તો ખામી દેખાઈ નહિ. પતિ- પત્ની બંને ઘર બતાવવામાં એટલાં એકાગ્ર બની ગયાં હતાં કે લગભગ બે કલાક ઘર જોયા પછી પણ તેમના મતભેદનો ઉલ્લેખ તેમણે કર્યો નહિ. નવાઈ જેવી વાત એ હતી કે જયંતકુમાર પ્રત્યેક બતાવવા લાયક વસ્તુમાં પોતાની પત્નીનો જ નિર્દેશ કરતા હતા.

‘અહીં હીંચકો ન હતો. તારાં ભાભીની ઈચ્છા થઈ કે અહીં એક હીંચકો તો હોવો જોઈએ; મેં બે બંધાવ્યા. પણ પ્લૅનમાં×[૨] ફેરફાર નહિ હો !... આ કબાટ જરા અંદર લીધું હતું; એમણે કહ્યું કે થોડું આગળ વધારો, એટલે વધાર્યું; નકશો બગડ્યો નથી... અહીં પહેલાં જાળી ધારેલી. આમને મન થયું કે જાળી સાથે કાચનાં બારણા હોય તો સારાં. એમાં શું ? પ્લેનમાં ફેરફાર ન થાય ત્યાં સુધી હરકત શી ? આ સીડી પહેલાં સીધી કરવા કોન્ટ્રાકટરે કહ્યું. તદ્દન અક્કલ વગરની વાત. એમણે કહ્યું કે ગોળ સીડીથી જગ્યા બચશે. વાત તદ્દન ખરી. કૉન્ટ્રાકટરને કેમ સૂઝયું નહિ એ હું સમજી શકતો નથી. કેટલી જગા બચી છે?... ભોંયરામાં થોડું ખર્ચ વધ્યું. વાત ખરી છે. ઉનાળાની ગરમીથી રક્ષણ તો મળે, એ પણ તારાં ભાભીની જ સૂચના. પરંતુ બધું પ્લેનની અંદર...’

આમ બે કલાક સુધી ઘર જોતાં જોતાં જયંતકુમારે સધળી વિગત

  1. + ધડો.
  2. × નકશા