પૃષ્ઠ:Rasbindu.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગાંડી : ૧૧૫
 

હશે ને ?’

મારું હૃદય જરા હલી ઊઠ્યું. મોટરકાર નીચે કચરાઈ ગયેલા પુત્રનું સ્મરણ માતાના હૃદયમાં કેટકેટલાં સ્વપ્ન ઉપજાવતું હશે ?

‘કેમ બોલતા નથી ?’ એણે એની ઘેલી આંખ મારી સામે સ્થિર કરી પૂછ્યું.

‘મને ખબર નથી. તારો છોકરો તો...’

‘આ દવાખાનામાં એને લઈ ગયા છે. પીટ્યાઓ મને પાછો આપતા નથી અને કહે છે કે એ મરી ગયો. એ મરી નથી ગયો હો ! એને સંતાડી રાખ્યો છે...’ કહી એ ઘેલી માતાએ ખાવાનું વેરી નાખી અઢળક આંસુ સાર્યાં.

‘હું તપાસ કરી લાવું.’ મેં એના મનના સાંત્વન અર્થે કહ્યું.

‘બરાબર તપાસ કરશો કે પછી બધાં કરે છે તેમ ? એ મરી ગયો એમ કહી જો મને ચીડવી છે, તો…’ એની આંસુભરી આંખ ફરી ગઈ અને એણે એક પથ્થર હાથમાં લીધો.

હું દવાખાનામાં ગયો. ત્યાંના ડૉક્ટરને પૂછતાં તેમણે કહ્યું : ‘તમે કેટલા માણસો પૂછવા આવશો ? હું કેટલી વખત બધાંને જાહેર કરું કે એ ગાંડી બાઈનો દીકરો તો હોસ્પિટલમાં લાવતાં બરોબર મરી ગયો છે ?’ ડૉક્ટરો હવે એકલા હાથથી જ વાઢકાપ કરતા નથી; સોબતની અસરથી એમની જીભ પણ શસ્ત્ર બનતી જાય છે.

મને એ બાઈની લેલછા સમજાઈ. એને હજી ખાતરી હતી કે એનો દીકરો દવાખાને જ છે, માટે એ આ સ્થળેથી ખસતી ન હતી. ક્રૂર સત્ય એ માતા સાંભળી શકતી ન હતી.

હજી એ ત્યાંની ત્યાં જ ફરે છે. એનાં ચીંથરાં વધતાં જાય છે; એની આસપાસ ટોળાં મોટાં થતાં જાય છે.

એના નામની કોઈને ખબર નથી; એના ગામની પણ કોઈને ખબર નથી. ખબર હોવા છતાં કોણ આગળ આવે ! એની ઘેલછાએ એનું સગપણ મિટાવી દીધું છે. માત્ર પુત્રની ઝંખના સિવાય એની