પૃષ્ઠ:Rasbindu.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





કદરૂપો પ્રેમ


‘આંખો સખની રાખ, નહિ તો ધોલ ખાઈશ !’

ચંચળે પોતાના સાથીદાર વીરાજીને ધમકાવ્યો. ઈંટના ચૂલા પાસે બેસી એ રોટલા ઘડતી હતી. નાના સરખા શિવાલયની ઓથે ખુલ્લામાં આ ગરીબ યુગલ પોતાનું રસોડું બનાવી બેઠું હતું. શિવાલયને ફરતી ઓસરી છાપરાવાળી હતી, અને આસપાસ નિર્જન મેદાન લંબાયેલું હતું. જેમને ઘર ન હોય તે શિવાલયની ઓસરીને ઘર બનાવતાં. વટેમાર્ગુ, સાધુ, ભિખારી, મજૂર, ચોર કે અભણ પ્રેમીઓ સિવાય શિવાલયનો આશ્રય કોઈ ભાગ્યે લેતું. અલબત્ત, ભૂત તો શિવના ધામમાં હોય જ ને ? પરંતુ હજી સુધી કોઈ ભૂતે આશ્રય લેનારને કદી પીડા કર્યાનું જાણ્યામાં નથી.

‘તે હું શું કરું ? ના કહું છું તો ય તારા ભણી દોડે છે.’ પાસે બેઠેલા વીરાજીએ જવાબ આપ્યો.

‘આંખો માનતી ન હોય તો ફોડી નાખ !’ ચંચળે ઇલાજ બતાવ્યો.

વીરાજીએ પોતાની પાસે પડેલા હાર્મોનિયમ ઉપર આંગળીઓ ફેરવી ધીમે રહીને ગાયું :

‘કાગા સબ તન ખાઈઓ, ચુનચુન ખાઈઓ માંસ
યે દો નયનાં મત ખાઈઓ, પિયામિલનકી આસ.’

‘મૂઆ મર્કટ ! એની એ વાત, ખરું ? લે, લેતો જા’ કહી રોટલા ઘડી હાથ ધોઈ રહેલી ચંચળે જોરથી એક ધોલ વીરાજીના ગાલ ઉપર લગાવી દીધી.